લોકલડતના શ્રીગણેશ : ઈકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા છેલ્લા શ્વાસ સુધી લડીશું
Eco Sensitive Zone : તાલાલા પંથકની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતોને જંગલખાતાના હજુરીયા બનાવતો ઈકો સેન્સિટિવ ઝોનનો કાળો કાયદો રદ કરવા છેલ્લા શ્વાસ સુધી લડશું. તાલાલા તાલુકાને સંપૂર્ણ ઈકો સેન્સિટિવ ઝોનથી મુક્ત કરવા માધુપુર ગીર ગામે લેઉવા પટેલ સમાજમાં યોજાયેલ ખેડૂત હિત રક્ષક સમિતિ આયોજીત મહા સંમેલનમાં ઉપસ્થિત તાલાલા તાલુકાનાં વિવિધ ગામના સર્વ સમાજના ખેડૂતો તથા અગ્રણીઓએ એક સુરે માંગણી કરી હતી.
ઈકો ઝોનના કાયદાના વિરોધમાં માધુપુર ગીર ગામે સર્વ સમાજનું બિન રાજકીય મહાસંમેલન યોજાયું હતું. તાલાલા પંથકને સંપૂર્ણ ઈકો સેન્સિટિવ ઝોનથી મુક્ત કરવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરતા વિવિધ વક્તાઓએ જણાવ્યું હતું કે તાલાલા પંથકમાં વિનાશકારી ઈકો ઝોન વનવિભાગના પાપે લગાડવાની નોબત આવી છે.
ગીરના જંગલમાં 239 નાના મોટાં નેસડા હતાં જેમાં હજારો માલધારી, પશુપાલકો વસવાટ કરતા હતા. વનવિભાગે તમાંમ નેસડા ખાલી કરાવતા સિંહોનો ખોરાક છીનવાઈ ગયો પરિણામે માલધારી અને પશુપાલકોની સાથે સાથે ખોરાકની શોધમાં સિંહોએ પણ જંગલ છોડી દીધું. આજે ખોરાકની શોધમાં સિંહો માનવવસ્તીમાં વસવાટ કરવા લાગ્યા છે.
વક્તાઓએ ઉમેર્યું હતું કે તાલાલા પંથકની પ્રજા સિંહો અને પર્યાવરણ પ્રેમી છે.તાલાલા પંથકના ખેડૂતો 16 લાખ આંબાના વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરે છે. કિસાનોના કેરીના બગીચામાં સિંહો પડાવ નાખી રહેઠાણ બનાવે છે અને કિંમતી દુધાળા પશુઓના મારણ કરે છે જે વનવિભાગના રેકર્ડ ઉપર છે છતાં પણ સિંહ પ્રેમી ખેડૂતો જંગલી જાનવરોનું જતન કરે છે. તાલાલા પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોન વગર પણ સિંહો અને પર્યાવરણનું જતન જંગલખાતાથી વધું ખેડૂતો કરે છે ત્યારે આ વિસ્તારમાં ઈકો ઝોન લગાડવાની જરૂર જ નથી.
તાલાલા પંથકમાં ઈકો સેન્સિટિવ ઝોનનો સમાવેશ થશે તો પ્રજા અને ખેડૂતોએ વનવિભાગનાં તાબે થઈ જંગલખાતાના હજુરીયા બની જવું પડશે માટે તાલાલા પંથકને ઈકો સેન્સિટિવ ઝોન માંથી મુક્ત કરવા માંગણી કરી હતી. તાલાલા પંથકને જ્યાં સુધી ઈકો સેન્સિટિવ ઝોન માંથી મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી લોક લડત ચાલુ રાખવાનું આહવાન કરવામાં આવેલ જેમાં સૌએ એકી અવાજે બે હાથ ઉંચા કરી સમર્થન આપ્યું હતું.