Get The App

'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ 1 - image


Banaskantha Partition Controversy: : બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ બનાસકાંઠામાં જોડાવાનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. 

બનાસકાંઠામાં રહેવાની ત્રણ તાલુકાની માંગ

બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. 
'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ 2 - image

ધાનેરાના ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ધાનેરાના ધારાસભ્ય માવજીભાઇએ દેસાઇએ મુખ્યમંત્રીને પત્ર લખીને ધાનેરાને બનાસકાંઠામાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા સાથે સંકળાયેલી છે. ધાનેરાના મોટાભાગના લોકોના ધંધા રોજગાર તેમજ વિદ્યાર્થીઓ ને પણ અભ્યાસ માટે ધાનેરાથી પાલનપુર તેમજ અમદાવાદ જવા માટે પણ અનુકૂળ છે.

'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ 3 - image

અમારે બનાસકાંઠામાં જ રહેવું છે

કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓની માંગણી છે કે તેઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે. 

આ પણ વાંચો: બનાસકાંઠાના વિભાજન બાદ શિહોરીમાં સજ્જડ બંધ, થરાદમાં ઉજવણી, ધારાસભ્યોના વિરોધના સૂર

ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી

ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે. 

'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ 4 - image

વાવ-થરાદમાં આ 8 તાલુકાનો સમાવેશ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતાં કહ્યું કે, હાલ આ જિલ્લાના 14 તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.

બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ 

બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે.     

'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ 5 - image

ગુજરાતમાં હવે કુલ 34 જિલ્લા

જણાવી દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગરપાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજનની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં 33 નહીં કુલ 34 જિલ્લા છે.


Google NewsGoogle News