'અયોધ્યા રામ મંદિરને ફુલોથી શણગારવાનું અમને સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ છે'
અમે વડોદરાના ૮૦૦ યુવાનો ખાસ ટ્રેન દ્વારા અયોધ્યા પહોંચીશું અને મુખ્ય મંદિર સહિત ૩૨ સ્થળોને ફૂલોથી શણગાર કરીશું
વડોદરા : 'દેશના કરોડો લોકો અયોધ્યા રામ મંદિરની એક ઝાંખી જોવા માટે આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે ત્યારે અમને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે જ અયોધ્યા રામ મંદિરને ફુલોથી શણગાર કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયુ છે.વડોદરાના ૮૦૦ યુવાનો સાથે હું તા.૧૯મી જાન્યુઆરીએ ખાસ ટ્રેનમાં અયોધ્યા પહોંચીશ અને ત્યાં ફુલોનો શણગાર કરીને અમે તા.૨૨મીએ પરત આવી જઇશું. આ અમારા તરફથી પ્રભુ શ્રીરામના ચરણોમાં સેવા છે.' આ શબ્દો છે વડોદરાના સમાજિક કાર્યકર સ્વેજલ વ્યાસના
તેણે ઉમેર્યુ હતુ કે 'હું ગણપતિ મંડળ એસોસિએશનના પ્રમુખ જય ઠાકોર વડોદરાના ૮૦૦ યુવાનોની સાથે આ પવિત્રકાર્યને પૂર્ણ કરવા માટે જઇ રહ્યા છીએ. અમે અગાઉ કેદારનાથ મંદિરને પણ ફૂલોથી શણગાર્યુ હતું. મંદિરોને ફૂલોનો શણગાર કરવાનું આ કાર્ય અમારી સેવાભાવનાથી કરીએ છીએ. અમે ત્રણ વર્ષ પહેલા રામ મંદિરનો શિલાન્યાસ થયો ત્યારે અયોધ્યા ગયા હતા અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને મળવા માટે ગયા હતા. પરંતુ તેમની તબિયત સારી ન હોવાથી તેઓ મળી શક્યા નહતા તેમના બદલે તેઓના અનુગામી મહંત કમલ નયન દાસજીને મળ્યા હતા ત્યારે અમે અમારી ભાવના વ્યક્ત કરી હતી અને કેદારનાથનો શણગાર બતાવ્યો હતો. તેઓએ ત્યારે જ અમને અયોધ્યા મંદિરના શણગારનું કામ સોંપી દીધુ હતું.
અમારી ટીમ ૧૫ દિવસથી અયોધ્યા આવ-જા કરે છે. ફુલોના શણગારનો પ્લાન અને ડિઝાઇન તૈયાર છે. મુખ્ય મંદિર અને ૨.૭ એકરના મંદિર પરિસર ઉપરાંત રામપથ, હનુમાન ગઢી, લતા મંગેશકર ચોક સહિત ૩૨ સ્થળોને અમે ફૂલોથી શણગાર કરીશું. ૭ રાજ્યોમાંથી ૫૦ હજાર કિલો ફૂલો આવશે. ૨૫૦ માળીઓ અને ૫૫૦ સ્વયંસેવકો સહિત ૮૦૦ જણની અમારી ટીમ તા.૧૯ જાન્યુઆરીએ વિશેષ ટ્રેન દ્વારા વડોદરાથી નીકળીને અયોધ્યા તા.૨૦મી જાન્યુઆરીઅ પહોંચીશુ અને તા.૨૧મીની રાત સુધીમાં શણગારનું કાર્ય પૂર્ણ કરીને આ ટ્રેન દ્વારા તા.૨૨ જાન્યુઆરીએ વડોદરા પરત આવી જઇશું.