સે-૧૨/૧૩ના અન્ડરપાસ વિસ્તારમાં ભર શિયાળે જળબંબાકાર
જવાબદાર તંત્ર દ્વારા અપાયેલું નવી લાઇનનું તકલાદી જોડાણ
ગણતરીના કલાકોમાં છુટી જતાં
૨૪ કલાક પાણી આપવાની યોજનામાં આપેલું જોડાણ ૧૨ કલાક પણ ન ચાલ્યું ઃ સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં આક્રોશ
ગાંધીનગર : સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પાટનગરમાં મીટર મુકીને ૨૪ કલાક પાણી આપવાની યોજનામાં થતી તકલાદી કામગીરી સરકારને છાશવારે નીચાજોણું કરાવે છે. રાત્રે હયાત લાઇન સાથે નવી લાઇન જોડયા બાદ સવારે પાણી છોડવાની સાથે જ જોડાણ છુટી જવાથી સેક્ટર ૧૨-૧૩ના અન્ડરપાસ આસપાસ વિસ્તારમાં ચારો તરફ પાણી ફરી વળ્યા હતાં. ગણતરીના દિવસોમાં જ ફરી જળબંબાકારની સ્થિતિથી સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોમાં આક્રોષ ભભૂકી ઉઠયો હતો.
પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું નવું
નેટવર્ક ઉભુ કરાઇ રહ્યું છે. આ કામગીરી ધીમી ગતિએ થવાના કારણે યોજના વિલંબે ચાલી
રહી છે અને તેની નોંધ મુખ્યમંત્રી કાર્યાલય સુધી લેવામાં આવી છે. એકથી વધુ વખત આ
યોજના પુરી કરવા માટેની સમય મર્યાદાના લંબાવવામાં આવી છે. ત્યારે કોન્ટ્રાક્ટરો
દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અતંર્ગતના થુંકના સાંધા છાશવારે પોત પ્રકાશવા
લાગ્યાં છે. સમયાંતરે વિવિધ સેક્ટરમાં કરવામાં આવતી ટેસ્ટિંગની કામગીરી વખતે પાઇપો
ફાટી જવી અને કનેક્શન છુટી જવાના કારણે મોંઘા ભાવના પાણીનો તો મોટી માત્રામાં
વેડફાટ થઇ રહ્યો છે. પહેલા નગરવાસીઓ પાણીની પાઇપ લાઇનો નાંખવા માટે કરાયેલા આડેધડ
ખોદકામના કારણે હાલાકી વેઠતાં રહ્યા હતાં. ત્યાર બાદ અયોગ્ય પુરાણના કારણે પડતાં
ભૂવાઓની હાલાકી વેઠી અને હજુ પણ સેક્ટરોમાં આ યોજનાઓનાં કારણે જ રોડના નવીનીકરણ
નહીં થવાથી સમસ્યા વેઠી રહ્યાં છે. ત્યારે એક સપ્તાહ દરમિયાન જ સેક્ટર ૧૪માં
ટેસ્ટિંગ ખતે પાણી પાણીના દશ્યો સર્જાયા બાદ શનિવારે સેક્ટર ૧૨, ૧૩ના અન્ડરપાસ
આસપાસના વિસ્તારમાં ફરી ચોમેર પાણી ફરી વળ્યા હતાં.
તૂટી ગયેલું નવું નક્કોર જોડાણ ફરીવાર જોડી દેવામાં આવ્યું
સેક્ટર ૧૨,
૧૩ના અન્ડરપાસ વિસ્તારમાં સવારે ભારે ચોમાસામાં ભરાતાં અને ચોમેર રેલાતા, ફેલાતાં પાણીના દશ્યો
વગર ચોમાસે જોવામાં આવ્યા હતાં. હયાત લાઇન સાથે ૨૪ કલાક પાણી આપવા માટેની લાઇનને જોડવામાં
આવી હતી. પરંતુ આ કામગીરી તકલાદી પુરવાર થઇ હતી. રાત્રે જોઇન્ટ માર્યા બાદ સવારે પાણી
છોડવામાં આવ્યું તેની સાથે જ ધડાકાભેર નવો નક્કોર જોઇન્ટ ખુલી ગયો હતો. જોકે આ મુદ્દે
અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું કે બન્ને લાઇન પરનું આ જોડાણ ફરીવાર સ્થાપિત
કરી દેવામાં આવ્યું છે
૨૦૦ કરોડ વધુનો ખર્ચ છતાં લાલિયાવાડીની સ્થિતિ
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત રૃપિયા ૫૫૦ કરોડની યોજના અંતર્ગત
શહેરમાં પાણી અને ગટરનું નવું નેટવર્ક સ્થાપવામાં આવી રહ્યું છે. તેમાં ૨૪ કલાક અને
ત્રીજા માળ સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. પાણીનું
નવું નેટવર્ક સ્થાપવા પાછળ રૃપિયા ૨૦૦ કરોડ ઉપરાંતનો ખર્ચ અંદાજ મુકવામાં આવેલો છે.
પરંતુ પાણી પુરવઠા વિભાગનાં કથિત આંખ મીંચામણા વચ્ચે કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરીમાં
ચલાવાયેલી લાલિયાવાડીથી આગામી દિવસોમાં પણ આવા દ્રશ્યો સર્જાતા રહી શકે તેમ છે.