Get The App

ચંદ્રાલા ગામમાં પાણીજન્ય કમળાનો રોગચાળો

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
ચંદ્રાલા ગામમાં પાણીજન્ય કમળાનો રોગચાળો 1 - image


ગાંધીનગર તાલુકાની આરોગ્ય ટીમોએ ગામમાં સર્વે હાથ ધર્યો

ગામમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉંમરના ૧૪ બાળકોને કમળાની અસર : તમામ લોકોની સ્થિતિ સ્ટેબલ હોવાનો તંત્રનો દાવો

ગાંધીનગર : ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામમાં ગઇકાલે નવ જેટલા વ્યક્તિઓને કમળો થયો હોવાની વાત સામે આવી હતી જેના પગલે સ્થાનિક આરોગ્યની ટીમ દ્વારા ગામનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦થી ૧૫ વર્ષના કુલ ૧૪ જેટલા બાળકોને પણ કમળાની અસર હોવાનું સામે આવ્યું હતું. આ તમામને શંકાસ્પદ કમળાના દર્દીઓ ગણીને તેમને સઘન સારવાર આપવામાં આવી છે તો બીજીબાજુ ગામમાં પણ આગામી દિવસોમાં સર્વે કરીને સ્થિતિનો તાગ મેળવવામાં આવશે.

ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામના નવ જેટલા બાળકોને કમળાની અસર હેઠળ સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં અને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હોવાનું આરોગ્ય તંત્રને ધ્યાને આવતા ગાંધીનગર તાલુકા  તથા જિલ્લા આરોગ્યની ટીમોએ ગામમાં ધામા નાંખ્યા હતા અને અલગ અલગ ટીમો બનાવીને ગામમાં આરોગ્યલક્ષી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ટીમને વધુ ૧૪ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા. આ તમામ દર્દીઓ ૧૦થી ૧૫ વર્ષ વચ્ચેની ઉંમરના એટલે કે, બાળદર્દીઓ જ હોવાનું ધ્યાને આવી રહ્યું છે. જો કે, આ તમામ શંકાસ્પદ કમળાના બાળદર્દીઓને દાખલ કરીને સારવાર આપવી પડે તેવી સ્થિતિ નહીં હોવાની અને હાલ તમામ દર્દીઓ સ્ટેબલ હોવાનો આરોગ્ય તંત્ર દ્વારા દાવો કરવામાં આવે છે.

તો બીજીબાજુ વધુ દર્દીઓ પણ આ વિસ્તારમાં મળી શકશે તેવી દહેશત આરોગ્ય તંત્રના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે જેને પગલે આગામી દિવસોમાં પણ સર્વેની કામગીરી ચાલુ રાખવામાં આવશે ત્યારે પાણીજન્ય આ રોગચાળો ફેલાવાનું કારણ શોધવા માટે દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા છે સાથે સાથે ગામમાંથી પાણીના નમૂના પણ લઇને તેને લેબોરેટરી પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે.

દર્દીના તથા ગામના  પાણીના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી અપાયા

ચંદ્રાલા ગામમાં ૧૦થી ૧૫ વર્ષના ૧૪ જેટલા બાળકોેન પાણીજન્ય કમળાના રોગની અસર હોવાને પગલે આરોગ્ય તંત્રએ ગામમાં ધામા નાંખ્યા છે ત્યારે દર્દીને કયા પ્રકારની બિમારી-રોગ છે તે જાણવા માટે બે દર્દીના લોહી-સ્ટૂલ સહિત જરૃરી નમૂના લઇને તેને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. તો બીજીબાજુ આ કમળાનો રોગચાળો પાણીજન્ય હોવાને કારણે ગામમાંથી બે જગ્યાએથી પાણીના સેમ્પલ લઇને તેના બેક્ટેરીયલ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય તંત્ર દ્વારા પાણીના દસ જગ્યાના નમૂના લઇને તેમાં ક્લોરીનેશન ટેસ્ટ કરતા તે પૈકી બે ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.

છ ટીમો દ્વારા સર્વેઃગામના સદરીયો રાવલ અને વચલો વાસ પ્રભાવિત

ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામમાં ગઇકાલે નવ કેસ અને આજે કુલ મળીને ૧૪ કમળાના બાળદર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આ ગામમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી છે. છ મેડિકલ ટીમ દ્વારા સર્વે કરીને કુલ ૩૦૬ ઘરની ૧,૮૬૪ વસ્તીનો સર્વે કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને પાણીજન્ય કમળાના રોગચાવાથી પ્રભાવિક રાવલવાસ, સદરીયોવાસ તથા વચલોવાસ એમ ત્રણ વાસમાં સર્વે કરાયો છે. આગામી દિવસોમાં સમગ્ર ગામના કુલ ૯૦૩ જેટલા ઘરનો સર્વે કરીને ૫,૦૯૩ વસ્તીને આવરી લેવામાં આવશે. 


Google NewsGoogle News