ગુજરાતના 7 જિલ્લાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાશે, કડાણા ડેમમાં પાણી ઘટતા નિર્ણય
Sujalam Suflam Canal : ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એક તરફ વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી છે. તો બીજી તરફ ભર ઉનાળે રાજ્યના 7 જિલ્લા માટે જીવાદોરી સમાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાશે. કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટતા કેનાલમાં પાણી છોડવાનું બંધ કરવાનો સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બનશે તે નક્કી છે.
7 જિલ્લામાં કેનાલમાં પાણી બંધ કરાશે
સિંચાઈ વિભાગ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરશે તો અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, મહીસાગર જિલ્લાના ખેડૂતોને ભર ઉનાળે પાણી વગર હાલાકી ભોગવવી પડશે. મોટાભાગના ખેડૂતો શિયાળા બાદ ખેતી કરવા માટે કેનાલના પાણી પર નિર્ભર હોવાથી સિંચાઈ વિભાગના આ નિર્યણ બાદ ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવી રહી છે.
ખેડૂતો માટે પડતા પર પાટુ
મળતી માહિતી મુજબ કડાણા ડેમમાં પાણીનો જથ્થો ઘટી જતાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં પાણીના અભાવે ખેડૂતોએ આ વર્ષે પુરતી વાવણી કરવાનું ટાળ્યું છે. જિલ્લામાં ખેતીલાયક 1.65 લાખ હેક્ટર જમીનમાંથી ફક્ત 13 હજાર હેક્ટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. અને તેમાં પણ હવે જો સુજલામ સુફલામ કેનાલનું પાણી નહેરમાં છોડવાનું બંધ કરાશે તો ખેડૂતો માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાશે.