વડોદરા: નવજીવન હાઉસિંગ બોર્ડના મકાનો પાસે પાણીની લાઈનમાં ભંગાણથી પાણીનો વેડફાટ
વડોદરા શહેરના આજવા રોડ નવજીવન સોસાયટી પાસે છેલ્લા બે ત્રણ દિવસથી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આ અંગે સ્થાનિક રહીશોએ કોર્પોરેશનમાં ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવતો નથી.
વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારોની પાણીની લાઈન જૂની થઈને કટાઈ જવાથી ઠેક ઠેકાણે લીકેજ થવાથી ભંગાણ સર્જાય છે. પરિણામે સ્થાનિક રહીશોને પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે છે. પરિણામે સ્થાનિક વોર્ડ કચેરી સહિત ખંડેરાવ માર્કેટ મુખ્ય કચેરી ખાતે લોકો વારંવાર ફરિયાદ કરવા પહોંચે છે. પરંતુ તંત્ર દ્વારા આવી ફરિયાદોનો કોઈ ચોક્કસ નિકાલ કરવામાં આવતો નથી. જેથી સ્થાનિક લોકો ઉશ્કેરાઈને મોરચો માંડે છે. ત્યારબાદ જ તંત્રની કુંભકર્ણની ઊંઘ ઊડે છે. અને જે તે જગ્યાના લીકેજ માટે ર્થીગડું મારવામાં આવે છે. પરિણામે થોડા જ સમય બાદ પુન: આ જ જગ્યાએ ફરી લીકેજ થવાના પણ બને છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ લાવવામાં આવતો નથી. આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ નવજીવન હાઉસિંગ બોર્ડના મકાનો પાસે બે દિવસ અગાઉ લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી લીકેજ થઈને રોડ પર ચારે બાજુએ વહેવા માંડે છે. આ બાબતે પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય એ જરૂરી છે. જોકે લાઈન લીકેજ થવાના કારણે સ્થાનિક રહીશોને અપૂરતું પાણી મળવાની ફરિયાદો પણ શરૂ થઈ છે. વાતનું વતેસર થાય એ અગાઉ તંત્ર દ્વારા આ લીકેજનું સમારકામ થાય એવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે.