દાળમીલ રોડ પર પાણીની લાઈનમાં 15 દિવસથી ભંગાણ થતાં પાણીનો વેડફાટ
- રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રહિશોમાં રોષ
- પાણીના વેડફાટથી લાખો રૂપિયાનું નુકસાન છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી દરમિયાન જુની પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો સહિત રહિશોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આથી મનપા તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
શહેરના ધોળીધજા ડેમથી પાણીની ટાંકી સુુધી હાલ નવી પાણીની પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. ખોદકામ દરમિયાન દાળમીલ રોડ પર હરશક્તિ સર્કલ નજીક જુની પાણીની પાઈપલાઈન ૧૫ દિવસથી તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. મનપા તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તૂટેલ પાણીની પાઈપલાઈનનું રિપેરીંગ કરવાની તસ્દી લેવામાં આવી નથી જેના કારણે દાળમીલ રોડ પર ત્રણથી ચાર સ્કુલ, દસથી વધુ સોસાયટીના રહીશો તેમજ વાહનચાલકોને હાલાકી પડી રહી છે.
રસ્તા પર પાણી ફરી વળતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તેમજ બીજી બાજુ પાણી ભરાઈ રહેતા તેમજ ખોદકામને કારણે રસ્તો ઉબડખાબડ અને બિસ્માર બની જતા અકસ્માત થવાની તેમજ લપસીને પડી જવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે. પાણીના વેડફાટથી લાખો રૂપિયાનું નુકસાન છતાં કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા તૂટી ગયેલ પાણીની પાઈપલાઈનનું ક્યારે રિપેરીંગ કરવામાં આવે છે તેવી માંગણી લોકોમાં ઉઠવા પામી છે.