Get The App

ખારડી ગામે પ્રાથમિક શાળા પાસે પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં

Updated: Jan 23rd, 2025


Google News
Google News
ખારડી ગામે પ્રાથમિક શાળા પાસે પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં 1 - image


- શાળાના બાળકો અને રાહદારીઓને પસાર થવામાં જીવનું જોખમ

- ગ્રામ પંચાયત-શાળા સંચાલકોના આંખ આડા કાન ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જી શકે, શાળાના 2 થી 3 ઓરડામાં ધો. 8 સુધીના બાળકો ભણવા મજબૂર

ભાવનગર : તળાજા તાલુકાના ખારડી ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં જ પાણીનો ટાંકો જર્જરીત હાલતમાં છે. પડું.. પડું.. કરતા આ પાણીના ટાંકાના કારણે શાળાના બાળકો અને રાહદારીઓના માથે જીવનું જોખમ કાયમ મંડરાયેલું રહે છે. તેમ છતાં ગ્રામ પંચાયત કે શાળા સંચાલકો આંખ આડા કાન કરીને બેઠા છે. જેના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

તળાજાના ખારડી ગામે પ્રાથમિક શાળાની પાસે વર્ષો પહેલા બનાવવામાં આવેલો પાણીનો ટાંકો સાવ જર્જરિત હાલતમાં થઈ ગયો છે. ટાંકામાં જ્યાં-ત્યાં ગાબડા પડી ગયા છે. જેના કારણે આ પાણીનો ટાંકો ગમે ત્યારે ધરાશાયી થવાનો ડર કાયમ રહે છે. પાણીના ટાંકાને અડીને શાળાએ જવાનો રસ્તો આવેલો છે. આ ઉપરાંત ખારડીથી ગુંદરણા જવા માટે પણ ટાંકાની બાજુમાંથી જ પસાર થવું પડે છે. ત્યારે પાણીના ટાંકાનું સમારકામ કે પાડીને નવો બનાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં શાળાના કોઈ બાળકો કે રાહદારીઓ સાથે કોઈ દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. પાણીના ટાંકાની જર્જરીત હાલત અંગે ગ્રામ પંચાય અને શાળાના આચાર્ય-શિક્ષકો પણ જાણતા હોવા છતાં મૌન સેવીને બેઠા છે. વળી, તાલુકાના અધિકારીઓ અવાર-નવાર શાળાની મુલાકાતે આવતા રહે છે. તેમ છતાં તેઓ પણ આંખ આડા કાન કરીને જતા રહે છે. ત્યારે પાણીના જર્જરીત ટાંકાનું રિપેરીંગ કામ અથવા પાડીને નવો બનાવવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી છે. વધુમાં પ્રાથમિક શાળામાં બેથી ત્રણ ઓરડા જ સારી કંડીશનમાં છે અને તેમાં ધો.૧થી ૮ના વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ આપવામાં આવી રહ્યાનો કકળાટ સાંભળવા મળી રહ્યો છે. 

Tags :
Water-tank-near-primary-schoolKhardi-village-in-dilapidated-condition

Google News
Google News