રાજ્યના 14 જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોને મળશે પાણી પુરવઠા યોજનાનો લાભ, રૂ. 3581 કરોડ ફાળવાયા
Gujarat News: ગુજરાત રાજ્યનું 2025નું બજેટ ગુરૂવારે (20 ફેબ્રુઆરી) નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના ડુંગરાળ અને અંતરિયાળ ગામોમાં પાણી મળી રહે તે માટે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ પાણી પુરવઠા યોજનાઓ વિશે જાહેરાત કરી હતી.
ગુણવત્તાયુક્ત પાણી માટે કરાઈ વ્યવસ્થા
નાણાંમંત્રીના જણાવ્યા અનુસાર, આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાના જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજિત 866 કરોડ રૂપિયાના કામ પ્રગતિ હેઠળ છે.
આ પણ વાંચોઃ લોનથી લઈને ભાડાપટ્ટા સુધી ગુજરાતનાં બજેટમાં સ્ટેમ્પ ડ્યુટી પર ત્રણ મોટી રાહત
સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા કરાઈ વ્યવસ્થા
આ સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા આધારિત માળિયા તથા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ ઉપરનો આધાર ઘટાડવા માટે ઢાંકીથી માળિયા, ઢાંકીથી નવાડા અને ધરાઇ-ભેંસાણ બલ્ક પાઇપલાઈનનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ઢાંકીથી માળિયા સુધીની નવીન 120 કિ.મી લંબાઈની બલ્ક પાઇપલાઈનના અંદાજિત 1200 કરોડ રૂપિયા કામોનું આયોજન કરવામાં આવશે. આ સિવાય, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીના 97 કિ.મી બલ્ક પાઇપલાઈનના અંદાજિત 1044 કરોડ રૂપિયાના કામ પ્રગતિ હેઠળ છે. જૂનાગઢ જિલ્લા માટેની ધરાઈથી ભેંસાણ સુધીની 63 કિ.મી લંબાઈની બલ્ક પાઇપલાઈનના અંદાજિત રકમ 392 કરોડ રૂપિયાના કામ પ્રગતિ હેઠળ છે.
ગાંધીનગર ખાતે સેન્ટ્રલ મોનિટરીંગ સ્ટેશન દ્વારા રીયલ ટાઇમ મોનિટરીંગ કરવા માટે કુલ 2263 સ્માર્ટ વોટર ફ્લોમીટર અને 500 ઓનલાઇન ક્વોલિટી એનાલાઇઝર લગાડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 53 તાલુકાના ગામોની આંતરિક પાણી પુરવઠા યોજનાઓની સુચારુ મરામત અને નિભાવણી થાય તે માટે તથા ગ્રામ પંચાયતો દ્વારા પાણી વેરાની મહત્તમ વસૂલાત કરવામાં આવે તે માટે પ્રોત્સાહક રકમ આપવા 63 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વઘુ સુદ્રઢ કરવા માટે તાલુકા કક્ષાએ 10 નવીન લેબોરેટરીઓની સ્થાપના તેમજ હાલની લેબોરેટરીઓ માટે 16 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.