વડોદરામાં મહી નદીના ત્રણ ફ્રેંચ કુવા આસપાસ માટી અને કાંપ જમા થતાં પાણી કાપની શક્યતા
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મહી નદી ખાતે આવેલા તેના ચાર પૈકી ત્રણ ફ્રેન્ચ કૂવા આસપાસ માટી અને કાંપ જમા થઈ જતા તેની અસર પાણી પુરવઠા પર પડે તેવી સંભાવના છે. જેના લીધે શહેરની આશરે 10 લાખ વસ્તીને પાણી કાપનો સામનો કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. મહી નદીના ચાર કૂવામાંથી રોજનું 300 એમએલડી પાણી મેળવે છે. મહી નદીમાં ચોમાસામા ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા પાણીની સાથે માટી અને કાંપ તણાઇ આવેલ છે. જેના કારણે ફાજલપુર, રાયકા તથા દોડકા ફ્રેન્ચ કૂવાની આસપાસ વધુ માત્રામાં સિલ્ટીંગ થઈ ગયું છે. આ ત્રણે ફ્રેન્ચ કૂવાને વધુ અસર થઈ છે. પરિણામે આ કૂવામાંથી પાણી ઓછું મળે છે અને પંપો ઓછા ચાલે છે. જેની અસર પાણી પુરવઠા પર થઈ છે. આ કૂવા હેઠળ પાણી મેળવતી વિવિધ ટાંકીઓને પાણીનો જથ્થો ઓછો મળવાનો હોવાથી લોકોને પણ પાણી ઓછું આપી શકાશે, એટલે કે પાણીનો કાપ રહેશે.
આજવા ટાંકી, ગાજરાવાડી, નાલંદા, સમા, પૂનમ નગર, નોર્થ હરણી, સયાજી બાગ, જેલ ટાંકી અને લાલબાગ ટાંકી ઉપરાંત વિહિકલ પુલ બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, ખોડીયાર નગર, વારસિયા અને દરજીપુરા બુસ્ટરના કમાન્ડ વિસ્તારમાં પાણી ઓછા સમય માટે આપવામાં આવશે. આ ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચ કૂવા ખાતેથી પાણી મેળવતી ટાંકી જેમકે છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા, સમા જૂની ટાંકી, સમા પૂનમ નગર, ટીપી 13, લાલબાગ અને સયાજી બાગ ટાંકી તેમજ પરશુરામ બુસ્ટર, જુનીગઢી, વ્હીકલપુલ, વારશીયા તેમજ બકરાવાડી બુસ્ટરના કમાન્ડ વિસ્તારમા પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શકયતાઓ રહેલ છે. આ ટાંકીઓના કમાન્ડ વિસ્તારમાં પણ પાણી ઓછા સમય માટે અપાશે. આમ પાણીની 16 ટાંકીઓ અને 10 બુસ્ટર હેઠળ વિસ્તારના આશરે 10 લાખ લોકોને પાણીની અસર થશે. નદીમાં પાણીનું લેવલ ઘટે તે પછી કુવા ફરતે જામેલી માટીની અને રેડિયલની સફાઈ થઈ શકે તેમ છે.