ભૂગર્ભ ગટરની લાઈનમાં પથ્થરો ભરાઈ જતાં પાણી ઘરોમાં ઘૂસી ગયાં

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
ભૂગર્ભ ગટરની લાઈનમાં પથ્થરો ભરાઈ જતાં પાણી ઘરોમાં ઘૂસી ગયાં 1 - image


આડેધડ કામગીરીના કારણે હાલાકી ભોગવતા જૂનાગઢવાસીઓ : અનેક જગ્યાઓએ નવા રસ્તા તોડવા પડયા, પ્રજાના પરશેવાની કમાણીના ટેક્ષના પૈસાનું આંધણ

જૂનાગઢ, : જૂનાગઢ શહેરમાં આડેધડ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નવા બનાવેલા રસ્તાઓ તોડવામાં આવતા પ્રજાના ટેક્સના પૈસાનું પાણી થયું છે. આવા રસ્તાઓ તોડતા ફરીવાર ખરાબ રસ્તાઓને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભૂગર્ભ ગટરના પાઈપનું સ્ટેટીંગ કર્યા વગર રસ્તાઓ બનાવી નાખ્યા જેના લીધે પાણીનો નિકાલ થતો નથી. પાણી ગટરમાં જવાને બદલે ગટરમાંથી લોકોના ઘરમાં આવવા લાગ્યું છે.

શહેરના જોષીપરા વિસ્તારના મુરલીધર સોસાયટી, વડલી ચોક, હનુમાનપરા, બાપુનગરથી ઠાકરશીનગર, સર્વોદય સોસાયટી, શિવનગર સહિતના વિસ્તારોમાં ભુગર્ભ ગટર ફેઈઝ-૧ અને રનું કામ પૂર્ણ થઈ ગયું છે. પરંતુ આ ભુગર્ભ ગટરના પાઈપમાંથી પાણીનો નિકાલ થતો નથી. પાઈપમાં પથ્થરો ભરાઈ જવાના કારણે પાઈપ બ્લોક થઈ જતા પાણી લોકોના ઘરમાં ઘુસવા લાગ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ તમામ સોસાયટીઓના લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોના આક્ષેપ છે કે, જ્યારે નવા રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી ત્યારે આડેધડ કામ થયું હોવાથી પથ્થરો પાઈપમાં ઘુસી ગયા હતા. આ ઉપરાંત જે પાઈપ નાખવામાં આવ્યા હતા તેમાં પાણીનો નિકાલ થાય છે કેે કેમ તે અંગેની ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી ન હતી. અમુક જગ્યાએ કહેવા પુરતું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના અધિકારીઓ, રસ્તો બનાવનાર કોન્ટ્રાક્ટર, ભુગર્ભ ગટરનું કામ કરનાર કોન્ટ્રાક્ટર અને તેનું સુપરવિઝન કરનાર અધિકારીઓની બેદરકારીના કારણે લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસી ગયા છે. આ ઉપરાંત થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલા નવા રસ્તાઓ તોડવામાં આવ્યા છે. હજુ પણ અનેક જગ્યાએ રસ્તાઓ તોડવાની કામગીરી કરવી પડે તેમ છે. જે જગ્યાએ રસ્તા તોડવામાં આવ્યા ત્યાંથી ભુગર્ભ ગટરના પાઈપની તપાસણી કરી તો તેની અંદર મોટા-મોટા પથ્થરો ભરાઈ ગયેલા જોવા મળ્યા છે. અમુક જગ્યાએ પથ્થરો કાઢી જેટીંગ મશીન વડે પ્રેશર આપી પથ્થરો, કાંકરી સહિતનો કચરો કાઢવામાં આવ્યો, અમુક જગ્યાએ નવા પાઈપ નાખવાની ફરજ પડી છે. અમુક જગ્યાએ જેટીંગ મશીન પણ ગટરના પાઈપમાં પથ્થર ફસાઈ જવાથી કામ કરતા બંધ થઈ ગયા હતા.

હજુ તો અડધા જૂનાગઢમાં ભુગર્ભ ગટરનું કામ બાકી છે. જે જગ્યાએ કામ થયું છે ત્યાં આવી ઘોર બેદરકારીઓ દાખવી જેના લીધે પ્રજાના ટેક્ષના પૈસાનું પાણી થયું અને લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આવી કામગીરીના કારણે લોકો ભુગર્ભ ગટરનો વિરોધ કરવા મજબુર બની રહ્યા છે. આ અંગે મનપાના વહિવટદાર કમ કમિશનર દાખલારૂપ કામગીરી કરી આડેધડ થતી ભુગર્ભ ગટરની અને નવા રસ્તા બનાવવાની, તોડવાની કામગીરી અંગે યોગ્ય નિરાકરણ લાવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી રહી છે. આ સમગ્ર મામલે વિપક્ષના પૂર્વ નગરસેવક લલીત પણસારાએ રજુઆત કરી તાત્કાલીક યોગ્ય કરવા માંગ કરી છે.


Google NewsGoogle News