આ બધુ બંધ કરો નહીંતર હું જાહેરમાં...: કાંતિ અમૃતિયાએ અધિકારીઓનો લીધો ઉધડો
MLA Kantilal Amrutiya Meeting With Officials: મોરબી અને હળવદમાં પાણીની સમસ્યાને લઇને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ લખતર તાલુકાના ઢાંકી ગામે આવેલા આવેલા પમ્પીંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ પોતાના વિસ્તારમાં પાણી ન પહોંચતું હોવાથી અને અન્ય જગ્યાએ પાણીનો બગાડ થતો હોવાને લઇને અધિકારીઓનો ઉધડો લીધો હતો. કાંતિ અમૃતિયાએ કહ્યું હતું કે, 'અમારે ધારાસભ્યને પણ કેનાલ પર જઈને પાણીની ભીખ માગવી પડે છે. આ બધુ બંધ કરવું જોઈએ. જે પણ પાણીનો બગાડ થતો હશે તે અધિકારીને સસ્પેન્ડ કરો. નહીંતર હું તમારે ત્યાં આવીને તમારી જવાબદારી છે તે જાહેરમાં કહીશ.'
બંને ધારાસભ્યોએ અધિકારીઓ સાથે બેઠક કરી
મોરબી અને હળવદને પૂરતું પાણી પહોંચતું નથી. જેને લઇને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને હળવદ જેના મત વિસ્તારમાં આવે છે. તેવા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા લખતર તાલુકાના ઢાંકી ગામે આવેલ એશિયાના સૌથી મોટા પમ્પીંગ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અધિકારીઓ પાસેથી મળતાં પાણીને લઇને સમગ્ર માહિતી મેળવી હતી. બાદમાં તેઓએ કામગીરી જાણી હતી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મોરબી અને હળવદ પૂરતું પાણી ન પહોંચતું હોવાનું મુખ્ય કારણ પાણીનો બગાડ તંત્રના અધિકારીઓ દ્વારા અટકાવાતો ન હોવાનો ઉલ્લેખ બેઠકમાં કરી આ બગાડ તાત્કાલિક અસરથી અટકાવી મોરબી અને હળવદને પૂરતું પાણી મળે તે માટે કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
કાંતિ અમૃતિયાએ અધિકારીઓનો લીધો ઉધડો
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ અધિકારીઓને ઉધડો લેતા જણાવ્યુ હતુ કે, 'એક તરફ પાણી વેસ્ટ જાય છે અને બીજી બાજુ લોકોને પીવાનું પણ પાણી મળતુ નથી તે કેવી રીતે ચલાવી લેવાય. અહીંથી પુરતું પાણી છોડવામાં આવે છે, છતાં હળવદ અને મોરબી સુધી પાણી પહોંચતુ નથી તો પાણી ચોરી અટકાવવા માટે તમને પોલીસ અને એસઆરપી પણ આપી છે. છતાં પાણી ચોરી કેમ અટકતી નથી. જો તમારે કામગીરી ન કરવી હોય તો ઘરે જવાની તૈયારી રાખજો.