કચ્છના મીઠાના રણમાં પાણી: નવેમ્બર સુધી પાણી સુકાશે તો જ માણવા મળશે સફેદ રણનો નજારો
White Rann Of Kachchh : ગુજરાતના કચ્છમાં આવેલા સફેદ રણ ખાતે વિશ્વભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. જેમાં શિયાળાની શરૂઆત થતાં નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને પગલે કચ્છના સફેદ રણમાં હજૂ સુધી પાણી ભરાયેલું હોવાથી દૂર-દૂર સુધી પાણી પાણી જ દેખાય છે, ત્યારે દરિયા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સફેદ રણમાં મીઠું નથી પાક્યું
રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. રણમાં પણ હાલ વરસાદી પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે હજુ સુધી પાણી ભરાયેલું હોવાથી મીઠું પાક્યું નથી. તેવામાં રણોત્સવનું આયોજન જ્યાં થાય છે તે ગામના સરપંચનું કહેવું છે કે, હવે વરસાદ ન પડે તો નવેમ્બર મહિના સુધીમાં પાણી સુકાશે અને ડિસેમ્બરમાં રણોત્સવનું આયોજન થઈ શકશે.
ગત વર્ષે 4.24 લાખ પ્રવાસી આવ્યા હતા
કચ્છના સફેદ રણમાં વરસાદને કારણે હજુ પણ પાણી ભરાયેલા છે, ત્યારે જો હજુ પણ વરસાદ ચાલુ રહેશે તો તેની અસર રણોત્સવ પર પડશે. ગત વર્ષ 2023-24માં યોજાયેલા રણોત્સવમાં 945 વિદેશી સહિત 4.24 લાખ પ્રવાસી આવ્યા હતા અને સરકારને 3.67 કરોડની આવક થઈ હતી.