સરગાસણ વિસ્તારમાં લાઈન લીકેજ થવાથી માર્ગ ઉપર પાણી ફરી વળ્યાં
ગુણવત્તા વગરની કામગીરી કરવામાં આવતા
સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી
ગાંધીનગર : ગાંધીનગર શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં તંત્ર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત નવી લાઈન નાખવામાં આવી છે.તે કામગીરી ગુણવત્તા વગરની હોવાના કારણે ઘણી જગ્યાએ પાણી અથવા ગટરની લાઈન લીકેજ થઈ રહી છે અને પાણીનો બગાડ થઈ રહ્યો છે.જે અંગે રહીશો દ્વારા ફરિયાદો કરવા છતાં લીકેજ બંધ કરવાની કામગીરી કરવામાં આવતી નથી.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં સમાવિષ્ટ સરગાસણમાં
શાંતિવિલા રોડ ઉપર વસાહતી વિસ્તારમાં તંત્ર દ્વારા આડેધડ જે કામગીરી કરવામાં આવી
છે. તેનો ભોગ સ્થાનિક રહીશોને બનવું પડી રહ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી
માર્ગ ઉપર પાણી અથવા ગટરની લાઈન લીકેજ થવાના કારણે સમગ્ર દિવસ દરમિયાન પાણી
ભરાયેલું રહે છે. જેના પગલે અવરજવર કરવામાં પણ લોકોને ભારે પરેશાન થવું પડે છે. એક
તરફ તંત્ર દ્વારા લોકોને સારી સુવિધા પ્રાપ્ત થઈ શકે તે માટે વિકાસના કામો કરવામાં
આવી રહ્યા છે. તો બીજી તરફ જે વિસ્તારોમાં પાઇપલાઇન લીકેજ થઈ રહી છે. તેને પણ બંધ
કરવા માટેની કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા રહીશોને અનેક સમસ્યાઓનો સામનો કરવો
પડી રહ્યો છે. અવરજવર માટેના માર્ગ ઉપર પાણી ભરાયેલું રહેતું હોવાના કારણે પસાર
થવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. તો સતત પાણી આવતું હોવાના કારણે માર્ગ ઉપર તળાવ
જેવા જ રસ્તો જોવા મળી રહ્યા છે. જેથી તત્ર દ્વારા સમારકામ કરવામાં આવે તેવી માંગ
પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. સતત પાણી ભરાતું હોવાના કારણે હાલમાં અવરજવર
કરવામાં પણ વાહન ચાલકો તેમજ રાહદારીઓને પરેશાની ભોગવી પડી રહી છે.