Get The App

વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ભર શિયાળે પૂર જેવી સ્થિતિ : લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ભર શિયાળે પૂર જેવી સ્થિતિ : લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા 1 - image


Vadodara Water Line Leakage : વડોદરા શહેરમાં પાણીગેટ વિસ્તારમાં રાજારાણી તળાવ પાસેથી પસાર થતી આજવાથી પાણીગેટ ટાંકી થઈ ચાર દરવાજા વિસ્તારમાં આવતી 70 વર્ષ જૂની પાણીની લાઇનમાં ભંગાણ પડતાં લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો હતો. એટલું જ નહી પૂરની પરિસ્થિતિ હોય તે રીતે આજુબાજુની સોસાયટી અને વસાહતોમાં પાણી ફરી વળ્યા હતા. કૉર્પોરેશન તંત્રને જાણ થતાં સ્થળ પર પહોંચી જઈ સમારકામની કામગીરી શરુ કરી હતી જે આજે સવારે 9 વાગે પૂરી થઈ હતી.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારને પાણી પુરું પાડતાં આજવા સરોવરમાંથી ગાયકવાડી સમયની 70 વર્ષ જૂની પાણીની લાઇન પાણીગેટ ટાંકી થઈ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પસાર થાય છે. પાણીની લાઇન ગઈકાલે મોડી સાંજે રાજારાણી તળાવ પાસે તૂટતાં ભંગાણ પડ્યું હતું. પાણીનો જથ્થો આજુબાજુની આવેલી ગૌરવ સોસાયટી, અનુરાધા સોસાયટી, ગિરિરાજ સોસાયટી સહિત વસાહતોમાં ફરી વળતાં ઘુંટણ સમા પાણી ભરાયા હતા. કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

લાઇનમાં ભંગાણ પડતા સમગ્ર વિસ્તારનું પાણી છેક અજબડી મિલ સુધી પહોંચી ગયું હતું. આજુબાજુના વિસ્તારના મકાનોમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે સોસાયટીના મુખ્ય રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાઈ જવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દર વખતે શહેરમાં અવારનવાર પાણીની લાઇનમાં ભંગાણ પડે છે ત્યારે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે પરંતુ સોમવારે જે રીતે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું જેથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ભર શિયાળે પૂર જેવી સ્થિતિ : લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા 2 - image

છેલ્લા વીસ વર્ષમાં સૌથી મોટું પાણીની લાઇનમાં ભંગાણ

વડોદરા શહેરમાં વર્ષો જૂની લાઇન હોય કે નવી લાઇન હોય તેમાં અવારનવાર કોઈને કારણસર ભંગાણ પડતાં રહે છે. જે રીતે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું અને ચોમાસા જેવી પરિસ્થિતિ નહીં પરંતુ પૂર જેવી પરિસ્થિતિ પ્રથમવાર સર્જાઈ છે તે જોતાં 20 વર્ષમાં પહેલીવાર પાણીની લાઇનમાં આટલું મોટું ભંગાણ સર્જાયું હોય તેમ માનવામાં આવે છે. થોડાં વર્ષ પહેલા આજવાથી આવતી નવી નાંખેલી પાણીની લાઇનમાં મોટુ ભંગાણ પડ્યું હતું પરંતુ આ રીતે પાણી ચારેબાજુ ફરી વળ્યું ન હતું.

પરંતુ આ વખતે સૌથી વધુ પાણી વહી જતાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વડોદરા શહેરમાં કૉર્પોરેશન દ્વારા થોડા વખત પહેલા શહેરમાં જ્યાં કોઈ પાણીની લાઇનમાં લીકેજ હોય તેની જાણ લોકો દ્વારા કરવામાં આવે તે માટે હેલ્પ લાઇન નંબર આપવામાં આવ્યો હતો, પરંતુ તે પણ છેલ્લા કેટલાક સમયથી ઉપયોગ થતો બંધ થઈ ગયો છે.

પાણીની 70 વર્ષ જૂની લાઈન સમારકામ કરવામાં મુશ્કેલી : 12 કલાક કામ ચાલ્યું

પાણીગેટ રાજારાણી તળાવની વચ્ચેથી પસાર થતી પાણીની 70 વર્ષ જૂની 750 એમએમની લાઇનમાં ગઈકાલે મોડી સાંજે ભંગાણ પડ્યાની જાણ કૉર્પોરેશનને થતાં તાત્કાલિક પાણી બંધ કરી સમારકામ હાથ ધર્યું હતું જેના માટે બે ટીમ કામે લગાડી હતી.

આજવા સરોવરથી પાણીગેટ ટાંકી થઈ વડોદરા ચાર દરવાજા વિસ્તારમાં આવતી પાણીની લાઇનમાં ભંગાણ પડ્યાની જાણ થતાં કૉર્પોરેશને સ્થળ પર પહોંચી જઈ કામગીરી શરુ કરી છે. જે અંગે કાર્યપાલક ઈજનેર ધાર્મિક દવે અને હેમલ રાઠોડે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના રાજારાણી તળાવ પાસે 70 વર્ષ જૂની પાણીની લાઇન હોવાથી અચાનક તેમાં લીકેજ થયું હતું અને સતત પાણી વહેતું થતાં તાત્કાલિક પાણીગેટ ટાંકીથી પાણી બંધ કરાવ્યું હતું અને વર્ષો જૂની લાઇન હોવાથી સમારકામ માટે બે ટીમો બનાવવામાં આવી હતી.

તાત્કાલિક અસરથી કામગીરી શરુ કરવામાં આવી છે જે જૂની લાઇન હોવાથી ટેકનિકલ રીતે વેલ્ડિંગ તેમજ અન્ય કામગીરી વિલંબ થયો હતો. પાઇપલાઇનની સમારકામની કામગીરી ગઈકાલે રાત્રે 9:00 વાગે શરુ કરી હતી જે આજે સવારે 9:00 વાગ્યા સુધી કામગીરી પૂર્ણ થઈ હતી હવે ભવિષ્યમાં આ પાઇપલાઇન બદલવાની પણ કામગીરી કરવી પડશે.


Google NewsGoogle News