સરોલી બ્રિજ પાસે નહેર નીચેથી પાઇપલાઇન નાંખતી વખતે ભંગાણથી પાણીની રેલમછેલ
સુરત મ્યુનિ. દ્વારા સિંચાઇ વિભાગની મંજુરી વગર જ
- રોટેશન ચાલુ હોવાથી સિંચાઇ વિભાગે મંજુરી આપી ન હતી છતાં મ્યુનિ.એ રાત્રીના અંધકારમાં કામ શરૃ કરતા ભંગાણ ઃ યુધ્ધના ધોરણે રીપેરીંગ
સુરત
સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા સિંચાઇ વિભાગની મંજુરીની રાહ જોયા વગર જ હજીરા બ્રાન્ચની મુખ્ય નહેરની નીચે સારોલી બ્રિજ પાસે પુશીગ પધ્ધતિથી પાઇપલાઇન નાંખવાની કામગીરી શરૃ કરી દેતા રાત્રીના અંધકારમાં નહેરમાં મસમોટુ ભંગાણ પડતા પાણીની રેલમછેલ થઇ હતી. સિંચાઇ વિભાગે તાબતોડ વાલ્વ બંધ કરીને રીપેરીંગ કામગીરી શરૃ કરી દેતા ખેતરોમાં મોટું નુકસાન થતું અટક્યું હતુ.
જહાંગીરપુરા સરોલી બ્રીજ નીચેથી જમણાં કાંઠાના હજીરા બ્રાન્ચની મુખ્ય નહેર પસાર થાય છે. આ નહેરની આજુબાજુમાં સુરત મ્યુનિ. દ્વારા ૧૨૦૦ એમએમની પાઇપલાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે. જેમાં નહેરને નુકસાન નહીં થાય તેમ નહેરની નીચેથી પુશીંગ પધ્ધતિથી પાઇપલાઇન પસાર કરવા માટે સિંચાઇ વિભાગ પાસે મંજુરી માંગી હતી. પરંતુ સિંચાઇ વિભાગ દ્વારા નહેર ચાલુ હોવાથી મંજુરી પર બ્રેક મારી હતી. મંજુરી નહીં હોવા છતાં શુક્વારે મ્યુનિ.એ નહેર તોડયા વગર જ નીચેથી પાઇપલાઇન પસાર કરવા માટે કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન અચનાક જ નહેરમમાં મસમોટું ગાબડુ પડી ગયુ હતુ. આ અંગે મ્યુનિ.એ સિંચાઇ વિભાગને જાણ કરતા સિંચાઇ વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. સિંચાઇ વિભાગની ટીમે તત્કાળ આવીને મુખ્ય નહેરમાં પાણી સપ્લાય બંધ કરી દીધો હતો. અને યુધ્ધના ધોરણે કામગીરી શરૃ કરી હતી. સંભવત ઃ આજે રાત્રી સુધીમાં નહેર ફરી કાર્યરત થઇ જશે. જો કે, નહેર બંધ રહેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ હતુ. કારણ કે, ઉનાળુ ડાંગરની રોપણી ચાલી રહી છે. સાથે જ શાકભાજી માટે પણ પાણીની જરૃરિયાત ઉભી થાય તેમ હોવાથી મ્યુનિ.ની કામગીરીને લઇને ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ અંગે રાંદેર સિંચાઇ પેટા વિભાગના કાર્યપાલક ઇજનેર સતિષ પટેલના જણાવ્યા મુજબ હાલમાં નહેરનું રોટેશન ચાલી રહ્યુ છે. આથી અધવચ્ચે નહેર બંધ કરીને પાઇપલાઇન નાંખવાની મંજુરી આપી શકાય તેમ નથી. તેમ છતાં મ્યુનિ. દ્વારા મંજુરી વગર અને સિંચાઇ વિભાગને જાણ કર્યા વગર જ આ કામગીરી હાથ ધરાતા નહેર બંધ કરવાની નોબત આવી છે. છતાં પણ તાત્કાલિક જેસીબી લાવીને કામગીરી શરૃ કરી દેવાતા ખેતરોમાં પાકને વધારે નુકસાન થતુ અટકયુ છે.
મ્યુનિ.ના હાઇડ્રોલિક
વિભાગની ગંભીર બેદરકારી સામે આવતા એન્જીનિયરને સિંચાઇ વિભાગની નોટિસ
નહેરમાં ભંગાણ મામલે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સતિષ પટેલે મ્યુનિ.ના હાઇડ્રોલિક એન્જીનીયરને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં નોંધ્યું છે કે, નહેરમાંથી પાઇપલાઇન ક્રોસ કરવા માટે હજુ સુધી મંજુરી મળી નથી.તેમ છતાં આપના દ્વારા જાણ કર્યા વગર હજીરા બ્રાન્ચ નહેરમાં પાણીના ચાલુ રોટેશન દરમિયાન નહેરમાં ભંગાણ પડેલ છે. જેના લીધે નહેર બંધ કરવાની ફરજ પડેલ છે. જેનાથી હેઠવાસમાં આવેલી નહેરોમાં પણ પાણી બંધ થતા ખેડૂત ખાતેદારોને મુશ્કેલીનો સામનો કરવાની પરિસ્થિતિ ઉભી થઇ છે.આ હકીકતને ધ્યાને લેતા ભવિષ્યમાં ખાતેદારોને પાણી ના મળવાના કારણે અથવા તો મોડા મળવાના કારણે જે પણ પ્રશ્નો ઉપસ્થિત થશે તેની જવાબદારી આપની રહેશે. વધુમાં પરવાનગી મળ્યા બાદ અને નહેરોના બંધ રોટેશનમાં જ કામગીરી કરવાની હોય છે. છતાં ચાલુ રોટેશને કરવામાં આવ્યું છે.