કાલે ભાવનગરના આશરે 40 ટકા વિસ્તારમાં ભરઉનાળે પાણી કાપ
ગરમીના દિવસોમાં મહાપાલિકાના ફિલ્ટર વિભાગને મરામત કામ યાદ આવ્યું
શેત્રુંજી ડેમ સાઈટ પર તથા નિલમબાગ ફિલ્ટર પર મરામત કામના વાંકે ડાયમંડ ઇએસઆર, તખ્તેશ્વર, ચિત્રા ફિલ્ટર વગેરે વિસ્તારમાં પાણી વિતરણ ઠપ્પ થશે.
ભાવનગર: ઉનાળાની ગરમીના દિવસોમાં લોકોને પાણી જરૂરીયાત વધુ રહેતી હોય છે તેથી આ દિવસોમાં પાણી ન આવે તો લોકોને પરેશાની થતી હોય છે પરંતુ ભાવનગર મહાપાલિકાના ફિલ્ટર વિભાગને ભરઉનાળે મરામત કામ યાદ આવ્યુ છે, જેના કારણે શહેરના આશરે ૪૦ ટકા વિસ્તારમાં આગામી શનિવારે પાણી કાપ રહેશે. પાણી કાપના કારણે લોકોની મૂશ્કેલી વધશે.
ભાવનગર મહાપાલિકાના ફિલ્ટર વિભાગ દ્વારા આગામી તા. ર૬ એપ્રિલને શનિવારે શેત્રુંજી ડેમ સાઈટ પર તથા નિલમબાગ ફિલ્ટર પર અનિવાર્ય મરામત કામ હાથ ધરવામાં આવેલ છે, જેના કારણે શહેરના ઘણા વિસ્તારમાં શનિવારે પાણી સપ્લાય બંધ રહેશે, જેમાં ડાયમંડ ઈ.એસ.આર આધારિત મેલડીમાં ની ધાર, બોરડીગેટ, મહાત્મા ગાંધી સોસાયટી, ખેડુતવાસ, પ્રભુદાસ તળાવ-મઢુલી, જવાહર કોલોની, વણકરવાસ તેમજ તખ્તેશ્વર ફિલ્ટર આધારિત સાંજે ૫.૦૦ થી ૭.૧૫ સુધીનો વિદ્યાનગર, ગાંધી કોલીની, કલ્પના સોસા, વૃંદાવન, નવજીવન, સાધના, શિવ સોસા. તથા વિપુલ ફ્લેટ આજુ-બાજુનો વિસ્તાર, બાંભણીયાની વાડી, આઈટીઆઈ પેડક, સમરસ હોસ્ટેલ, ગુલાબવાડી વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત નિલમબાગ ફિલ્ટર આધારિત વિજયરાજનગર શેરી નં ૧ થી ૬, વિજયરાજનગર સર્કલથી જવેલ્સ સર્કલ સુધીનો વિસ્તાર, જવેલ્સથી આર.ટી.ઓ રોડ, હવેલી પાસેનો વિસ્તાર, કુરેશી પાન પાછળનો વિસ્તાર, સરદાર પટેલ સોસાયટી, જૈન સોસા, રાજકોટ રોડ પરનો વિસ્તાર, સુખસાગર સોસાયટી, વિજય કોલ્ડ્રીંકસ પાછળનો વિસ્તાર વગેરે વિસ્તારો તેમજ ચિત્રા ફિલ્ટર આધારિત હાદાનગર વિસ્તારમાં સત્યનારાયણ સોસાયટી, હાદાનગર મેઈન રોડ, ઋષિરાજનગર સોસા., જી.આઈ.ડી.સી.રેસીડેન્ટ, ગાયત્રીનગર, લક્ષ્મીનગર, હાદાનગર મોમાઈ માતા મંદિર પાસેનો સંપૂર્ણ વિસ્તાર, હાદાનગર શાક માર્કેટ વગેરે વિસ્તારો તથા સીદસર ગામ, હિલપાર્ક, સ્વસ્તિક પાર્ક, શુભમનગર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.