ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ
Water crisis in Gujarat: એક બાજુ, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. હિટવેવને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સંજોગોમાં અમદાવાદ, વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં પીવાના પાણીની અછત સર્જાતાં શહેરીજનોએ દેકારો મચાવ્યો છે. રાજ્યના ડેમોમાં પણ પાણીની સ્થિતિ જોતાં એવુ લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં પાણીનુ સંકટ ઊભું થઈ શકે છે. હાલ રાજ્યના ડેમોમાં માત્ર 50 ટકા જ પાણી ઉપલબ્ધ છે. પાણીના સંકટને જોતાં રાજ્ય સરકાર પણ દોડતી થઈ છે. છેલ્લી ઘડીએ સરકારને પાણીનું આયોજન કરવા મજબૂર થવુ પડ્યું છે.
28 ડેમોના તળિયા દેખાયા, સિંચાઈના પાણી પર પ્રતિબંધ મૂકાય તેવી પરિસ્થિતિ
રાજ્યમાં ગરમીના વધતાં પ્રકોપને જોતાં પાણીનો વપરાશ વઘ્યો છે. હજુ તો ઉનાળો આખો બાકી છે ત્યાં અત્યારથી પાણીનું સંકટ ઊભું થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તેનુ કારણ એ છે કે, ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં માત્ર 658 એમસીએમ પાણી બચ્યું છે. એટલે કે, આ વિસ્તારના ડેમોમાં માત્ર 34.13 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. મઘ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 58.35 ટકા પાણીનો જથ્થો ડેમોમાં સંગ્રહાયેલો રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમોમાં 5046.35 એમસીએમ પાણી બાકી બચ્યું છે.
કચ્છના 20 ડેમોમાં 123.49 એમસીએમ પાણી રહ્યું છે. કચ્છમાં ડેમોમાં 37.94 ટકા પાણી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર બને તેવા એંધાણ છે કેમ કે, 141 ડેમો પૈકી એક માત્ર ડેમ સંપૂર્ણપણે ભરાયેલો રહ્યો છે. આ ડેમોમાં 10145 એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જ સૌરાષ્ટ્રના ડેમોમાં 40.37 ટકા પાણી બચ્યું છે. રાજ્યમાં અત્યારે માત્ર પાંચ ડેમો જ એવાં છે જેમાં 90 ટકા પાણીનો જથ્થો મોજુદ છે. પણ ચિંતાજનક વાત એ છે કે, 28 ડેમો તો સ્ટેડિયમ બન્યા હોય તેવી સ્થિતિ છે.
આ ડેમોમાં 10 ટકા ય પાણી રહ્યું નથી. 92 ડેમોમાં પાણીની માત્રા 30 ટકાથી ઓછી છે. બનાસકાંઠાના ડેમોમાં 11.37 ટકા, સાબરકાંઠામાં 27 ટકા, દ્વારકામાં 12 ટકા, મોરબીમાં 28 ટકા અને સુરેન્દ્રનગરના ડેમોમાં 33 ટકા પાણીનો જથ્થો રહ્યો છે. આ બધા જિલ્લામાં આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાયે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
શહેરોમાં અત્યારથી જ પીવાના પાણી માટે દેકારો મચ્યો છે ત્યારે ગામડાઓમાં ટેન્કરો દોડાવવી પડે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હવે જ્યારે પાણીની સમસ્યા ફેણ માંડીને ઊભી છે ત્યારે સરકારે છેલ્લી ઘડીએ બેઠક યોજીને પાણી મુદ્દે આયોજન કરવા મજબૂર થવું પડ્યું છે. જે રીતે ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે તે જોતાં ખેડૂતો પર સિંચાઈના પાણી પર પ્રતિબંધ મૂકાય તે દિવસો પણ દૂર નથી.