વડોદરાના તાંદળજામાં પાણીનો કકળાટ : 500 જેટલા મકાનોમાં પાણી સુવિધા નહિ મળતા મોરચો
Vadodara : વડોદરાના તાંદળજા વિસ્તારમાં આવેલા આતીફ નગરના 105 ઘર, રેહમત નગરના 100 ઘર અને ખુશ્બૂ નગરના 285 ઘરોમાં પાણી જેવી પાયાની સુવિધાનો વર્ષોથી અભાવ છે.
આતીફ નગરમાં પાણી લાઈન તેમજ પાણીના કનેક્શન ના હોવા છતાં છેલ્લા આઠ વર્ષોનો વ્યાજ સહિતનો પાણી કર આવી રહ્યો છે. રેહમત નગરની 2021માં આંતરિક પાણીની લાઈન પાસ થઈ હતી. જેના ચાર્જ પેટે રહીશો દ્વારા 2021માં મ્યુનિસિપલ કોર્પોરેશનને પાણી કનેક્શનના 1500 રૂપિયાની ભરપાઈ કર્યા છતાં 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઈન નાખવામાં નથી આવી. જેથી ઉપરોકત તમામ સોસાયટીમાં પાણીની લાઈન નાંખવા માટે તેમજ આતીફ નગરનો પાણી કર બાદ કરવાની માંગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી અહીંના સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.