વડોદરામાં ચાર-પાંચ વર્ષથી બંધ સરદાર બાગ સ્વિમિંગ પૂલ ચાલુ કરવા લાખોનો ખર્ચ પાણીમાં ગયો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગ પુલ છેલ્લા ચાર-પાંચ વર્ષથી બંધ હાલતમાં હતો. આ સ્વિમિંગ પૂલમાં આશરે 80 લાખના ખર્ચે મેન્ટેનન્સ કરીને એપ્રિલ મહિનામાં શરૂ કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ અને પૂર બાદ સ્વિમિંગ પૂલ બંધ રાખ્યો હતો. લાખોના ખર્ચે મેન્ટેનન્સ પછી પણ હાલ આ સ્વિમિંગ પૂલમાં જમીનમાંથી પાણીનું ઝમણ થઈ રહ્યું છે, અને લીલ બાઝી રહી છે. પાણીનું ઝમણ સ્વિમિંગ પૂલના ડીપ એરિયામાં વધુ રહેતું હોવાથી તેને બહાર કાઢવા માટે મોટર ચાલું રાખવી પડે છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ પણ આ બધું જાણે છે, છતાં હજી સુધી રીપેરીંગ કામ થઈ શક્યું નથી. જો અત્યારથી જ જરૂરી રીપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવે તો ઉનાળા પૂર્વે સ્વિમિંગ પૂલનું કામ પૂર્ણ થતાં તરવૈયાઓને ઉનાળામાં સ્વિમિંગ પૂલનો લાભ મળી શકે. આ અગાઉ સ્વિમિંગ પૂલ જ્યારે બંધ હાલતમાં હતો, ત્યારે તેના ફિલ્ટર બગડી ગયા હતા, અને પાણી સ્વિમિંગ પુલમાં ગંદુ રહેતું હતું. જેથી તેના બે ફિલ્ટર બદલવા પડ્યા હતા. જ્યાં ઊંડાણ વાળી જગ્યા છે, ત્યાં પાણીનું ઝમણ થઈ રહ્યું હોવાથી વોટર પ્રુફ કરીને બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે ફરી પાછી એની એ જ પરિસ્થિતિ ઉભી થઈ છે. પાણીનું ઝમણ સતત ચાલુ રહેતું હોવાથી ઊંડાણવાળી જગ્યામાં પાણી ભરાયેલું રહે છે. આસપાસમાં લીલ જામી ગઈ છે. અમુક જગ્યાએ ટાઇલ્સ ઉખડી ગઈ છે. અગાઉ કોર્પોરેશને રીપેરીંગ કામ કર્યું તેમાં નવી ટાઇલ્સ ફીટ કરવી, આરસીસી કામગીરી, ફિલ્ટરેશન વગેરે પ્રકારનું કામ કરવા માટે ખર્ચના અંદાજ કરતા 67.53 ટકા વધુ ભાવનું 80.34 લાખનું ટેન્ડર મંજુર કર્યું હતું અને કામગીરી કરાવી હતી. લાખોના ખર્ચ પછી પણ જમીનમાંથી ફૂટતા પાણીના પ્રશ્નના નિવેડા માટે ખોદકામ, ટાઇલ્સ ફીટીંગ ,વોટરપ્રૂફિંગ વગેરે માટે લાખોનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.