સોલાર સિસ્ટમ ફિટ કર્યા બાદ એક માસ સુધી વીજળીનો વ્યય !

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
સોલાર સિસ્ટમ ફિટ કર્યા બાદ એક માસ સુધી વીજળીનો વ્યય ! 1 - image


વીજ મીટર અને સ્ટાફની ઘટના લીધે મોટો નેશનલ વીજલોસ સરકારને આ સ્કિમમાં ધાર્યા કરતા સારો પ્રતિસાદ મળતાં વ્યવસ્થાઓ ખોરવાઈ : ગ્રાહકોને મોટું નુકસાન

જૂનાગઢ, : સરકાર સોલાર પાવર એનર્જીને પ્રોત્સાહન આપવાના દાવાઓ કરે છે. સોલાર સિસ્ટમથી વીજળી ઉત્પન્ન કરવાની યોજનાનો અનેક લોકો લાભ લઈ રહ્યા છે. જૂનાગઢમાં રહેણાંક મકાન પર સોલાર સિસ્ટમ ફીટ થઈ ગયા બાદ એક માસથી વધુ સમય મીટર લગાડવામાં આવતું નથી. જેના લીધે સોલાર વીજ ઉત્પાદનનો વ્યય થઈ રહ્યો છે. સરકારના ધાર્યા કરતા સોલાર સ્કિમમાં સારો એવો પ્રતિસાદ મળતા મીટરની ઘટ સર્જાઈ છે.

જૂનાગઢ શહેરમાં દરરોજ અનેક મકાનો પર સોલાર સિસ્ટમ ઉભી થઈ રહી છે. આ સ્કિમનો સરકાર દ્વારા ૭પ હજાર આસપાસ સબસીડી આપવામાં આવે છે. જેના કારણે અનેક લોકો રહેણાંક મકાન પર સોલાર લગાવી વીજળી ઉત્પન્ન કરી રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, સોલાર સિસ્ટમ લાગી ગયા બાદ તેમાંથી ઉત્પન્ન થતો વીજ પાવર ગણવા માટે પીજીવીસીએલ દ્વારા મીટર લગાવવામાં આવે છે. મીટરની ઘટ હોવાથી એકથી સવા માસ સુધી સોલાર સિસ્ટમ ફીટ થયા બાદ મીટર ફીટ થતા નથી. મીટર ફીટ ન થવાથી સૂર્ય પ્રકાશ દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો મોટા પ્રમાણમાં વ્યય થઈ રહ્યો છે. જેને નેશનલ વીજ લોસ માનવામાં આવે છે.

જૂનાગઢ શહેરમાં સેટેલાઈટ, ગાંધીગ્રામ, સેન્ટ્રલ અને જીઆઈડીસી એમ ચાર સબ ડીવીઝન આવેલા છે. સૌથી વધુ સેટેલાઈટ અને ગાંધીગ્રામ સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં નવી સોલાર સિસ્ટમ ઉભી થઈ રહી છે. સોલાર સિસ્ટમ ફીટ કરાવનાર ગ્રાહકોએ રોષભેર જણાવ્યું હતું કે, એક માસથી વધુ સમય થયો હોવા છતાં હજુ મીટર ફીટ કરવામાં આવતું નથી. સોલાર સિસ્ટમ ફીટ કરાવવા માટે લોન લીધી હોય, મીટર સહિતની તમામ પ્રક્રિયા પુરી થયા બાદ તેની 75,000 જેટલી સબસીડી જમા થાય છે, મીટર મોડું લાગે જેના લીધે સબસીડી પણ મોડી જમા થાય, તેના લીધે ગ્રાહકોને વીજલોસ અને વ્યાજની નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે.

આ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા વીજ મીટરની મોટી ઘટ હતી કેમ કે, સરકારને ધાર્યા કરતા સારો પ્રતિસાદ મળતા થોડી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઉપરથી મીટર આવવામાં મોડું થતું હોવાથી આ મુશ્કેલી સર્જાઈ રહી હતી. એકાદ-બે દિવસ પહેલા જેટલી નવી સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી તેના કરતા પણ વધુ મીટરનો જથ્થો આવી ગયો છે પરંતુ હવે એકીસાથે વીજ મીટર ફીટ કરવાની કામગીરી કરવામાં સ્ટાફની પણ ઘટ છે. જેમ જેમ જુની અરજીઓનો નિકાલ થતો જાય છે ત્યાં નવી વીજ મીટર ફીટ કરવાની અરજીઓ આવતી રહે છે જેના કારણે આ સમસ્યા સર્જાઈ રહી છે. અગાઉ સોલાર માટેના વીજ મીટરના કારણે અને હવે સ્ટાફના કારણે મોડું થઈ રહ્યું છે તેના લીધે સૂર્ય પ્રકાશ થકી ઉત્પન્ન થતી વીજળીનું મોટું નુકસાન થઈ રહ્યું છે.


Google NewsGoogle News