Get The App

વડોદરાના વોર્ડ અને બુથ પ્રમુખોની ભાંજગડ પ્રદેશ કક્ષા સુધી પહોંચી : ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન આમને-સામને

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના વોર્ડ અને બુથ પ્રમુખોની ભાંજગડ પ્રદેશ કક્ષા સુધી પહોંચી : ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠન આમને-સામને 1 - image

image : Social media

Vadodara BJP : વડોદરા શહેર ભાજપમાં વોર્ડ અને બુથ પ્રમુખોની પસંદગી માટે બે નિરીક્ષકો આવ્યા હતા. તેઓએ વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના હોદેદારો પાસેથી નામો માગ્યા હતા. જેથી અનેક વોર્ડમાં નામોના મુદ્દે વિવાદો સર્જાતા રહ્યા હતા. જેમાં કેટલાક તો નામચીન અને પોલીસ કેસ થયા હોય તેવા કાર્યકર્તાઓના નામો રજૂ કરતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારની બેઠકમાં સંગઠન અને પૂર્વ, હાલના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નામોના મુદ્દે આમને સામને આવી ગયા હતા અને ભાજપની ભાંજગડ નિરીક્ષકો સમક્ષ ખુલ્લી પડી હતી. સયાજીગંજ વિસ્તારમાં એક આગેવાને ભૂતકાળમાં જેની સામે પોલીસ કેસ થયા હોય કે પછી અન્ય કોઇ કૌભાંડમાં સંડોવાયેલા હોય તેવા નામો રજૂ કરતા વિવાદ થયો હતો.

રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં પૂર્વ મંત્રીની ફેન કલબના કેટલાક બુથ પ્રમુખોએ કેતન દરજી નામ રજૂ કરી નહી તો તમારી મરજી કહી નામ નક્કી કરવા રજૂઆત કરી હતી. ત્યારે વોર્ડ નંબર-14માં હાલના ધારાસભ્યના ટેકેદારનું નામ રજૂ કરી ફોર્મ પણ ભરાવવામાં આવ્યું પરંતુ પાછળથી અન્ય એક કાર્યકર્તાનું નામ નક્કી કરવાનું દબાણ આવતા તે કાર્યકર્તાનું ફોર્મ પરત ખેંચાવી લીધું હતું. ચાર દરવાજા વિસ્તારના પૂર્વ મંત્રીના અંગત ગણાતા અને તેને કારણે બદનામ થયેલા એવા એક કાર્યકર્તાએ ફોર્મ ભર્યું હતું તે રદ્દ થયું હતું. માંજલપુર વિધાનસભામાં વોર્ડ નંબર-19માં ચૂંટાયેલા પ્રતિનિધિએ જે નામ મુક્યુ હતું  તેની સામે સંગઠનમાંથી અન્ય કાર્યકર્તાનું નામ મુકવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જેમાં ધારાસભ્યએ સ્પષ્ટ જણાવી દીધુ હતું કે, સંગઠન તરફથી જે નામ મુકાયુ છે તેણે કોઇ કામ કર્યું નથી જેથી તેનું નામ મુકશો નહીં. વોર્ડ નંબર-17-18માં પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે નામો મુક્યા હતા. તેમાં પણ વિવાદ સર્જાયા હતા. તેજ પ્રમાણે અકોટા વિધાનસભામાં વિસ્તારમાં વોર્ડ નંબર-10 માં પૂર્વ કોર્પોરેટરના પરિવારના સભ્ય હાલ હોદ્દો ધરાવે છે તેઓનું નામ રજુ કર્યુ તેની સામે સંગઠન તરફથી અન્ય કાર્યકર્તાનું નામ રજુ થતા વિવાદ સર્જાતા ત્રીજા કાર્યકર્તાનું નામ મુકવામાં આવ્યું.


Google NewsGoogle News