છરીથી હુમલાના બે ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
પોપટપરાના નાલા પાસેથી ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો
આરોપી વિરૃધ્ધ હુમલો, મારામારીના ૧૩ ગુના, એક વખત પાસાની હવા પણ ખાઇ આવ્યો છે
રાજકોટ : સરાજાહેર છરીના ઘા ઝીંકવાની બે ઘટનામાં બી ડીવીઝન અને ગાંધીગ્રામ પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી અલ્બાઝ ઉર્ફે રઇશ ઉર્ફે અબુ મહમદભાઈ ભાડુલા (ઉ.વ.૨૨, રહે. ચામડીયા ખાટકીવાસ, જૂનો મોરબી રોડ)ને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચે આરોપીને પોપટપરાના
નાલા પાસેથી ઝડપી લીધો હતો. રણછોડનગર વિસ્તારમાં અકસ્માત થતા રહી જતાં પરેશ
ચંદ્રકાંતભાઈ બાબીયા સાથે ઝઘડો કરી આરોપીએ તેને છરીના ઘા ઝીંકી દીધા હતા. જે અંગે
બી ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
આ ઘટનાના બે દિવસ બાદ આરોપીએ અજય ઉર્ફે અજુ સંજય સોલંકીને
મૈસુર ભગત ચોકમાં અન્ય આરોપીઓ સાથે મળી છરીના ઘા ઝીંકી દીધા હતા. જે અંગે
ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બંને ગુનામાં વોન્ટેડ આરોપીને આખરે
ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.
ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપી સામે અગાઉ હુમલો, મારામારી, એટ્રોસિટી
એક્ટ સહિતના ૧૩ ગુના નોંધાયા છે. ૨૦૨૪માં પાસા તળે પણ અટકાયત થઇ હતી. આરોપી
વિરૃધ્ધના મોટાભાગના ગુના બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા છે.