Get The App

સુરતમાં વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો, પોલીસ સ્ટેશનમાં પીએસઓને તમાચો ઝીંક્યો

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
સુરતમાં વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો, પોલીસ સ્ટેશનમાં પીએસઓને તમાચો ઝીંક્યો 1 - image


Bootlegger shoots Head Constable in Surat : સુરતની અઠવાલાઈન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલીયાવાડ ત્રણ રસ્તા પાસે વાહન ચેકીંગ કરતી હતી. ત્યારે અઠવાગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે પોલીસે કાર અટકાવવા પ્રયાસ કરતા હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી. હેડ કોન્સ્ટેબલને ઉડાવીને ભાગી જનાર બુટલેગરની કાર બંધ પડી જતાં પોલીસે પકડી પાડ્યો હતો. આ દરમિયાન પણ તેણે પોલીસ સાથે વિરોધ કરી ભાગવા પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યારે તેણે પીએસઓને પણ તમાચો ઝીંકી દીધો હતો. પોલીસે આરોપી બુટલેગરની ધરપકડ કરી તેના વિરૂદ્ધ પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ અને ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદવભાઈ શુક્રવારે મધરાતે મોટર સાયકલ પેટ્રોલીંગ કરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન ટીમલીયાવાડ ત્રણ રસ્તા પાસે પીસીઆર 33 અને 34 ના સ્ટાફ સાથે વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે 2.40 વાગ્યાની આસપાસ અઠવાગેટ તરફથી કાર ( નં.જીજે-15-સીડી-1012 ) આવતા કારાભાઈએ તેને રોકવા ઈશારો કર્યો હતો.

જોકે, કાર ચાલકે કાર હેડ કોન્સ્ટેબલ કારાભાઈની એકદમ નજીક લાવી જોરથી ભગાવી ટક્કર મારતા કારાભાઈ ઉછળીને કારના બોનેટ ઉપર આવી ગયા હતા.તેમ છતાં કાર ચાલકે કાર નહીં અટકાવી ભગાવતા તે ગબડીને ડાબી બાજુ રોડ પર પટકાતા તેમને જમણા હાથના પંજા, ડાબા હાથની હથેળીમાં ઈજા થઈ હતી અને શરીરે મુઢમાર વાગ્યો હતો. કાર ચાલકે કાર ભગાવતા પીસીઆર 34 એ તેનો પીછો કર્યો હતો. 

બુટલેગર કાર ચાલકે ગાંધીસ્મૃતિ ભવન પાસેથી યુટર્ન લઈ ટીમલીયાવાડ થઈ અઠવાગેટ તરફ જવા પ્રયાસ કર્યો, ત્યારે તેની કાર કૈલાશ રેસ્ટોરન્ટ પાસે બંધ પડી ગઈ હતી. પીછો કરતી પોલીસે ચાલકને પકડીને બહાર કાઢતા તેની ઓળખ અગાઉ દારૂની હેરાફેરીના ઘણા કેસોમાં પકડાયેલા અને અઠવાલાઈન્સ સહિત ત્રણ પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ ભરતભાઈ રાંદેરી ( ઉ.વ.32, રહે.ઘર નં.1/2329, એકતા સર્કલ, નાનપુરા, સુરત ) તરીકે થઈ હતી.

પોલીસે તેને પકડીને સરકારી વાહનમાં બેસવા કહેતા તેણે વિરોધ કરી ભાગવા પ્રયાસ કર્યો હતો.તેણે પોલીસ સાથે ગેરવર્તન પણ કરતા છેવટે તેને બળ વાપરીને સરકારી વાહનમાં બેસાડીને પોલીસ સ્ટેશન તેની કાર સાથે લાવ્યા હતા. બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ રાંદેરીએ પોલીસ સ્ટેશનમાં પણ ગેરવર્તન કર્યું હતું. તેણે પીએસઓ સકારામભાઈ ઈકલભાઈને એક ઝાપટ મારી તેમની ફરજમાં પણ રૂકાવટ ઉભી કરી હતી.

આથી આ અંગે અઠવાલાઈન્સ પોલીસે કારાભાઈની ફરિયાદના આધારે બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ રાંદેરી વિરુદ્ધ હત્યાનો પ્રયાસ અને ફરજમાં રુકાવટ અંગેનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીઆઈ એચ.કે.સોલંકી કરી રહ્યા છે.

હેડ કોન્સ્ટેબલે અગાઉ તપાસ કરી હોવાથી ચિન્ટુએ જાણીજોઈને કાર તેના પર ચઢાવ્યાના ફૂટેજ મળ્યા

વાહન ચેકીંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કારાભાઈએ અટકાવવા પ્રયાસ કરતા બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ રાંદેરીએ પોતે વોન્ટેડ હોય પકડાઈ નહીં જાય તે માટે તેમને ઉડાવવા પ્રયાસ કર્યો હોવાનું પોલીસને શરૂઆતમાં લાગ્યું હતું. જોકે, પોલીસે સ્થળ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી.બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ રાંદેરી બે વખત તે સ્થળે ફરીને ત્રીજી વખત આવ્યો હતો અને કારાભાઈને ઉડાવવા પ્રયાસ કર્યો હતો.કારાભાઈએ અગાઉ તેના વિરુદ્ધ તપાસ કરી હોય તેની અદાવત રાખીને બુટલેગર ચિત્રાર્થ ઉર્ફે ચિતરાજ ઉર્ફે ચિન્ટુ રાંદેરીએ જાણીજોઈને કાર ચઢાવી હતી.


Google NewsGoogle News