૯.૦૬ લાખના દારૃના કેસમાં વોન્ટેડ આરોપી ઝડપાયો
દોઢ મહિનાથી નાસતા ફરતા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર થઇ હતી
વડોદરા, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મઆવાસ યોજનાના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને ૯.૦૬ લાખના દારૃ સાથે પાંચ આરોપીઓને ઝડપી પાડયા હતા. આ ગુનામાં વોન્ટેડ આરોપીની આગોતરા જામીન અરજી નાંમંજૂર થયા પછી તેની ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની માહિતી મળી હતી કે, વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે નુર્મ આવાસ યોજનાના મકાનમાં રહેતા બૂટલેગર ભાવેશ ચંદ્રકાંત રાજપૂતે વિદેશી દારૃનો જથ્થો મંગાવ્યો છે. સ્થાનિક બૂટલેગરો તેની પાસે દારૃ લેવા માટે ગાડીઓ લઈને આવવાના છે. જેથી ,સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વોચ ગોઠવીને ગત તા. ૨૫ મી ઓક્ટોબરે દરોડો પાડતા પાંચ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં (૧) ભાવેશ રાજપૂત (૨) નીરવ ભરતભાઈ પટેલ (રહે.વિશ્વકર્મા ગાંધી કુટીર, વાઘોડિયા રોડ) (૩) કેતન જીતેન્દ્રભાઈ રાણા (રહે. આશાપુરી નગર, વડોદરા) (૪) આતિશ વિનોદભાઈ ઠાકોર (રહે. જય નારાયણ નગર, પ્રતાપ નગર, વડોદરા) તથા (૫) જયેશ ઈશ્વરભાઈ કહાર (રહે. નુર્મ આવાસ યોજનાના મકાનમાં, વડોદરા) નો સમાવેશ થાય છે.પોલીસે વિદેશી દારૃની ૩,૩૪૮ બોટલ કિંમત રૃપિયા ૯.૦૬ લાખ તથા નવ મોબાઈલ ત્રણ વાહનો અને રોકડા ૧,૨૦૦ મળી કુલ રૃપિયા ૧૫.૯૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ માંજલપુર પોલીસને સોંપવામાં આવી હતી. આ ગુનામાં વોન્ટેડ આરોપી કેતન ઉર્ફે માંજરાની આગોતરા જામીન અરજી નામંજૂર થતા માંજલપુર પોલીસે તેની ધરપકડ કરી છે.