ભાજપે ટિકિટ કાપતા નવાજૂની કરવાના મૂંડમાં મધુ શ્રીવાસ્તવ, જાણો શું લેશે નિર્ણય
વાઘોડિયા સીટ પર જિલ્લા પ્રમુખને ટિકિટ અપાતા મધુ શ્રીવાસ્તવ નિરાશ થયા
મધુ શ્રીવાસ્તવ વડોદરાની વાઘોડિયા સીટ પરથી 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા છે
અમદાવાદ,તા.10 નવેમ્બર, 2022, ગુરુવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આ ચૂંટણીમાં કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ છે તો કેટલાકે સામેચાલી ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે. તો વડોદરાના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની પણ ટિકિટ કપાઈ છે. ટિકિટ કપાતા જ મધુ શ્રીવાસ્તવ નિરાશ થયા છે. તેમણે કહ્યું કે વર્ષોથી પાર્ટી માટે કામ કર્યું પણ કદર ન કરી, હવે હું અપક્ષમાંથી ચૂંટણી લડીશ.
મધુ શ્રીવાસ્તવના સ્થાને જિલ્લા પ્રમુખને ટિકિટ અપાઈ
ઉલ્લેખનિય છે કે, વડોદરાની વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવની જગ્યાએ જિલ્લા પ્રમુખને ટિકિટ અપાઈ છે. દરમિયાન તેમણે જણાવ્યું કે, તેઓ અપક્ષમાંથી ઉમેવારી નોંધાવશે કે નહીં તે અંગે કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ. ઉલ્લેખનિય છે કે, મધુ શ્રીવાસ્તવ વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવે છે. તેઓ અવાર-નવાર વિવાદિત ટિપ્પણીઓ કરી ચર્ચામાં આવતા રહે છે.
મધુ શ્રીવાસ્તવને છ ટર્મથી દબદબો
વડોદરા જિલ્લામાં વાઘોડિયા વિધાનસભા બેઠક આવેલી છે. આ બેઠક વર્ષ 1962થી વર્ષ 1985 સુધી કોંગ્રેસ જીતતી રહી છે, ત્યારબાદ મધુ શ્રીવાસ્તવનો દબદબો જોવા મળતો રહ્યો છે. તેઓ 1995થી 2017 સુધી સતત છ ટર્મ સુધી જીતતા આવ્યા છે.