તાપીના વ્યારામાં બાંધકામ સાઈટ પર ગેસનો બાટલો બ્લાસ્ટ, 10થી વધુ મકાનોને નુકસાન, જાનહાનિ ટળી
Tapi Fire Breaks: ગુજરાતના તાપીના વ્યારાના ખટારફળિયામાં રવિવારે (30 માર્ચ) બાંધકામ સાઈટ પાસેની ઝૂંપડપટ્ટી પર ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે વિકરાળ આગ લાગી હતી. જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગને ગણતરીના સમયમાં ઓલવી નાંખી હતી. જોકે, આગ ઓલવ્યા બાદ ફાયર વિભાગને ઝૂંપડામાંથી 23 થી 24 જેટલાં રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતાં. જેના કારણે રાંધણ ગેસના સિલિન્ડરના કૌભાંડ વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શું હતી ઘટના?
વ્યારાના ખટરફાળિયા વિસ્તારમાં રવિવારે બાંધકામ સાઇટની પાસે શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાં વિકરાળ આગ લાગી હતી. ગેસનો બાટલો બ્લાસ્ટ થવાના કારણે ત્યાં હાજર દસેક જેટલાં ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા હતાં. જોકે, શ્રમિકો પોતાના કામ માટે ગયા હોવાના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પરંતુ, શ્રમિકોનો તમામ સામાન બળી જવાથી નુકસાન થયું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યું અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.
આ પણ વાંચોઃ GPSCની પરીક્ષાની તારીખમાં ફેરફાર, 19 એપ્રિલે નહી યોજાય પરીક્ષા, જાણો નવી તારીખ
દોઢ કલાકની જહેમત બાદ આગ પર મેળવાયો કાબૂ
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં આવીને જોયું તો આગ વિકરાળ હતી. રાંધણ ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. અહીં હાજર તમામ લોકોને અમે આગના સ્થળથી દૂર કરી તાત્કાલિક ધોરણે આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી. આશરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો છે.
કેવી રીતે લાગી આગ?
આગ લાગવાના કારણ વિશે વાત કરતાં અધિકારીએ જણાવ્યું કે, અહીં મજૂરોના 10 જેટલાં ઝૂંપડા છે. તેઓ અહીં રાંધતા સમયે જમવાનું બનાવવા માટે લાકડાં જેવું કંઈ સળગાવ્યું હશે અને એ સળગતું મૂકીને કામ કરવા જતા રહ્યા હશે. જેના કારણે આગ પકડાઈ હશે અને બાદમાં ગેસના સિલિન્ડર સાથે સંપર્કમાં આવતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હશે.
24 ગેસ સિલિન્ડર ક્યાંથી આવ્યા?
નોંધનીય છે કે, આ ઘટનામાં ફાયર વિભાગને અહીંથી 23 થી 24 જેટલા ગેસના સિલિન્ડર મળી આવ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, અહીં આટલા બધા ગેસના સિલિન્ડર ક્યાંથી આવ્યા? શું અહીં ગેસ સિલિન્ડરનો કોઈ કૌભાંડ ચાલી રહ્યો છે કે કેમ? પોલીસે હાલ આ મામલે ફાયર વિભાગ સાથે મળીને વધુ તપાસ હાથ ધરી છે.