વ્યારા વન વિભાગે 499 નંગ ખેરના લાકડા પકડયા, ત્રણ અરોપીઓની ધરપકડ કરી
આ રેડ દરમિયાન ત્રણ આરોપીઓને, ચાર બાઇક અને એક ટ્ર્ક સાથે પકડ્યા હતા
Vyara News: વ્યારા વન વિભાગ હેઠળની ઉનાઇ રેન્જનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રુચિ દવે અને તેમનાં સ્ટાફને બાતમી મળી હતી કે, ઉનાઇ રેન્જ હેઠળનાં પીઠાદરા રાઉન્ડનાં રેવન્યૂ વિસ્તારમાંથી પરવાનગી વિના ખેરનાં ઝાડ કપાઈ રહ્યાં છે અને ખેરનાં આ લાકડાને વ્યારા રેન્જનાં બાલપુરનાં રેવન્યૂ વિસ્તારમાં લઈ જવાનાં છે.
આ બાતમી મળતા વ્યારા વન વિભાગનાં નાયબ વનસંરક્ષક પુનિત નૈયરની સૂચના અને માર્ગદર્શનનાં આધારે ઉનાઇ રેન્જનાં સમગ્ર સ્ટાફે વોચ ગોઠવી હતી અને આરોપીઓને પકડી પાડવા માટે ટીમે એક સાથે બાલપુર અને પીઠાદરાનાં રેવન્યૂ વિસ્તારમાં રેડ પાડી હતી અને વ્યારા રેન્જનાં સ્ટાફ દ્વારા અંતાપુર વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જેના આધારે વધુ તપાસ કરતાં સ્ટાફે સ્થળ પરથી ત્રણ આરોપીઓ, ચાર બાઇક, અને 70 નંગ ખેરનાં લાકડા સાથે એક ટ્રક પકડી પાડ્યા હતા.
વ્યારાનાં બાલપુરનાં રેવન્યૂ વિસ્તારમાંથી 410 નંગ ખેરનાં લાકડા અને બીજાં અન્ય સ્થળોએથી 19 નંગ ખેરનાં લાકડા એમ કુલ 499 નંગ ખેરનાં લાકડાં (લોગ્સ) સાથે અંદાજિત 25 લાખનો માલ રિકવર કર્યા હતા. બાલપુરની સીમમાં રેડ પાડી ત્યારે ત્યાં કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરી આરોપીઓ લાકડા છોલવાનું કામ કરતા હતા. વન વિભાગનો સ્ટાફ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે આરોપીઓ સ્થળ પરથી નાશી છૂટ્યા હતા.
પકડાયેલા આરોપીનાં નામ
યુસેફ ચૌધરી, રણજિત ચૌધરી અને પકા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.