વડોદરામાં આવાસના મકાનો ગરીબ લાભાર્થીઓને જલ્દી મળે તે માટે વુડા ગેરંટર રહી બેન્ક લોન કરાવી આપે
Vadoadra Awas Yojana House : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબલ્યુએસ-1 અને ઇડબલ્યુએસ-2 ટાઈપના આવાસોમાં વુડા ગેરંટર ૨હી લાભાર્થીઓને બેન્ક લોન નહીં કરાવી આપે તો ઉપવાસ આંદોલનની ચીમકી સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે.
આવેદનપત્ર સુપ્રત કરનાર સામાજિક કાર્યકર અને આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા જણાવાયું છે કે વડોદરા શહેરી વિકાસ સતા મંડળ(વુડા) ની તા.16/12/2024 ના બોર્ડ બેઠકમાં ભાયલી-બીલ-સેવાસી-ખાનપુર અંકોડીયામા ઉકત પ્રકારનાં જે મકાન બનાવવામાં આવ્યા છે, અને તેનો ડ્રો પણ થઈ ગયો છે. જેમા 243 જેટલા લાભાર્થીઓ નાણાકીય મુશ્કેલીઓને કા૨ણે બેન્ક સાથે ટાઇ-અપ કરી વુડા ગેરંટર ૨હી લોન મેળવવા લાભાર્થીને આવાસનું પઝેશન મેળવવા મદદ કરે અને લાભાર્થી લોનના હપ્તા સમયસર ન ભરે તો નોટીસ આપી આવાસ રદ કરવા અધ્યક્ષ સ્થાનેથી ઠરાવવામાં આવ્યુ હતું. પરંતુ ગરીબ-મધ્યમ વર્ગના લાભાર્થીઓને નાણાંની મુશ્કેલીઓ નડી રહી હોવાથી તેમજ બેંકમાંથી લોન પણ થઈ ૨હી ન હોય તેવા તમામ લાભાર્થીઓને કચેરી પર બોલાવી લેવા અને મકાન મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ, એટલું જ નહીં લાભાર્થીઓને એવો વિશ્વાસ બેસાડવો જોઈએ કે કોઈ મકાન રદ નહીં થાય. જોકે ફાળવેલ આવાસોમાંથી 243 લાભાર્થીઓ દ્વારા આવાસના હપ્તા ભરવામાં નિરસતા બતાવેલ છે. તમામ લાભાર્થીઓને વુડા દ્વારા સમયાંતરે 4 નોટીસ પણ આપવામાં આવેલ છે. પરંતુ નોટીસ આપવા છતા લાભાર્થી દ્વારા નોટીસ બાબતે કોઈ પ્રત્યુત્તર પાઠવેલ નથી. બાકી રકમ ભરવાની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. વુડાની બેઠકમાં ખાલી પડેલ કુલ 102 આવાસોની જાહેરાત આપવાનું, વુડા દ્વારા ગેરંટર રહી લોન મેળવવા લાભાર્થીને આવાસનું પઝેશન મેળવવા અને લાભાર્થીની લોનમાં ગેરંટર રહ્યા બાદ લાભાર્થી લોનના હપ્તા સમયસર ન ભરે તો નોટીસ આપી આવાસ ફાળવણી રદ કરી અન્યને ફાળવવા સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.