આમલીયારા, કોટાલી અને હરણીમાં ટ્રાન્સપોર્ટ નગર માટે જમીન સંપાદન પેટે વુડાએ વધારે રૃા.૬૧.૭૧ કરોડ ચૂકવ્યા
જમીન માલિકોએ કોર્ટમાં કુલ ૭૨ કેસો દાખલ કરીને વુડા પાસેથી વધારાની રકમ મેળવી ઃ વુડાએ કોર્ટમાં પૈસા જમા કરાવ્યા
વડોદરા, તા.16 વુડા દ્વારા ટ્રાન્સપોર્ટ નગર માટે સંપાદન કરવામાં આવેલી જમીનના વળતરના આમલીયારા, કોટાલી તેમજ હરણીના કુલ ૭૨ કેસોમાં રૃા.૬૧.૭૧ કરોડ વધારે ચૂકવવાનો વારો આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે આમલીયારામાં ટ્રાન્સપોર્ટનગરના હેતુ માટે કુલ ૫૦ સર્વે નંબરો વાળી ૨૫૯૯૯૩ ચો.મી. જમીનો વુડા દ્વારા સંપાદન કરવામાં આવી હતી. આ જમીનના મૂળ માલિકોએ વળતરથી નારાજ થઇને ૪૮ કેસો ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં દાખલ કર્યા હતાં. આ કેસોનો ચુકાદો આવ્યા બાદ વુડા દ્વારા કુલ રૃા.૪૫.૩૧ કરોડ વ્યાજ, ભાવવધારો, ૩૦ ટકા સોલેશિયમ સહિત ચૂકવવાના થતા હતાં. ઉપરોક્ત કેસોમાં વુડા દ્વારા કોર્ટમાં ડીડીથી રકમ જમા કરાવી દીધી હતી.
આ ઉપરાંત કોટાલીમાં પણ ટ્રાન્સપોર્ટનગરના હેતુ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. જમીન સંપાદન પેટે મળેલી રકમ ઓછી હોવાથી કુલ ૧૫ જમીન માલિકોએ કોર્ટમાં વધુ વળતર મેળવવા દાવો કર્યો હતો. જમીન સંપાદન અધિકારી દ્વારા રકમ નક્કી થયા બાદ કુલ રૃા.૧૦.૨૩ કરોડની રકમ અરજદારોને ચૂકવવાની થતી હોવાથી વુડા દ્વારા આ રકમ કોર્ટમાં જમા કરાવવામાં આવી હતી.
જ્યારે ટ્રાન્સપોર્ટનગરના હેતુ માટે હરણીની પણ જમીન સંપાદન કરવામાં આવી હતી. આ અંગે જમીન માલિકોએ વધુ વળતર મેળવવા માટે સાત કેસો કોર્ટમાં દાખલ કર્યા હતાં. જમીન માલિકોને વધુ વળતર ચૂકવવા માટેનો કોર્ટ દ્વારા હુકમ થયો હતો અને અગાઉ વુડા દ્વારા કુલ રૃા.૧૬.૮૬ કરોડના વળતરની રકમ ચૂકવવાની થતી હોવાથી વુડાએ અગાઉ રૃા.૧૧.૪૪ કરોડ જમા કરાવ્યા હતાં જ્યારે બાકીની વ્યાજ સહિત કુલ રૃા.૬.૧૭ કરોડની રકમ કોર્ટમાં જમા કરાવી હતી.