ખેડામાં 6 પાલિકા, 3 તા.પં.ની 190 બેઠકો માટે આજે મતદાન
- પાલિકાની ચૂંટણી માટે 237 અને તા.પં. માટે 489 ઈવીએમ ફાળવાયા
- 547 મતદાન મથકો પર 20 ટકા યુનિટ રિઝર્વ રખાયા 3 હજારથી વધુ કર્મચારીઓને ચૂંટણીની ફરજ સોંપાઇ
ખેડા જિલ્લામાં મહેમદાવાદ, મહુધા, ખેડા, ચકલાસી અને ડાકોર નગરપાલિકાના ૩૪ વોર્ડની ૧૩૬ બેઠકો તથા કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ૫૦ બેઠકોની સામાન્ય તેમજ કપડવંજ પાલિકાના વોર્ડ નં.૨ની બે બેઠકો તથા મહેમદાવાદ તાલુકા પંચાયતની બે બેઠકોની પેટા ચૂંટણી માટે તા.૧૬ ફેબુ્રઆરીને રવિવારના રોજ મતદાન યોજાશે.
પાલિકાની ચૂંટણી માટે કુલ ૩૬૮ જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૧૨૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યાં છે. જ્યારે ૧૫૧ મતદાન મથકો ઉપર પાલિકાની ચૂંટણીમાં ૬૭,૩૭૭ પુરૂષો અને ૬૬,૬૩૦ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૩૪,૦૧૮ તથા ૩૯૬ મતદાન મથકો ઉપર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૧,૭૮,૫૨૪ પુરૂષો, ૧,૭૩,૩૧૫ સ્ત્રી મતદારો મળી કુલ ૩,૫૧,૮૪૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકામાં મતદાન માટે ૨૩૭ ઈવીએમ મશીનો અને ૧૯૧ કન્ટ્રોલ યુનિટ ૨૦ ટકા રિઝર્વ યુનિટ સાથે ફાળવવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૪૮૯ બીયુ, ૪૮૯ સીયુ ૨૦ ટકા રિઝર્વ યુનિટ સાથે ફાળવવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડા જિલ્લામાં મતદાન પ્રક્રિયા દરમિયાન ૩ હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.