ગુજરાતમાં મતદાન ટકાવારીમાં ઘટાડો પરંતુ કુલ વોટ 10.66 લાખ વધ્યાં, બનાસકાંઠાના આંકડા રસપ્રદ
Lok Sabha Elections 2024: ગુજરાતમાં 29 બેઠકો માટે મંગવારે મતદાન પૂર્ણ થયું તેમાં 60.13 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાના સુધારેલા આંકડા જણાવે છે. 2019ની ચૂંટણીમાં કુલ મતદાન 6411 ટકા હતું એટલે આ વખતે મતદાનમાં લગભગ 3.38 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 2019માં કુલ 4.51 કરોડ મતદારમાંથી 2.89 કરોડ મતદાન થયું હતું.
આ વર્ષે ગત વર્ષ કરતા 10 લાખથી વધુ મત પડ્યા
આ વર્ષે સુરતની બેઠક બિનહરીફ જાહેર થતા બાકીની 25 બેઠકોના 4.80 કરોડ મતદારમાંથી 2.88 કરોડ લોકોએ મતદાન કર્યું છે. એટલે સુરતના 2019ના આંકડાઓ અલગ તારવી મતદાન ગણવામાં આવે તો 2019માં કુલ 4.34 કરોડ મતદાર હતા અને તેમાંથી કુલ 2.78 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. આમ, આ વર્ષે ગત ચૂંટણી કરતા કુલ મતદાનમાં 10.66 લાખ વધારે મત પડ્યા છે.
ગુજરાતમાં 23 બેઠકોમાં મતદાનમાં ઘટાડો થયો
સૌથી મહત્ત્વનું છે કે ટકાવારી દ્રષ્ટિએ જે 25 બેઠકોમાં મતદાન થયું છે. તેમાંથી 23 બેઠકોમાં મતદાનમાં ઘટાડો જોવા મળે છે. માત્ર ભરૂચ અને બનાસકાંઠા બેઠકોમાં મતદાનની ટકાવારીમાં વૃદ્ધિ જોવા મળે છે. પરંતુ, પાંચ વર્ષમાં નવા નોંધાયેલા મતદારના કારણે કુલ મત વધ્યા છે અને તેના કારણે કુલ મતમાં ઘટાડો જોવા મળતો નથી. હકીકતે, એવી 19 બેઠકો છે જેમાં પડેલા મત ગત વર્ષ કરતા વધારે છે.
આ પાંચ બેઠકો પર સૌથી વધુ મત પડ્યા
સૌથી વધુ મત પડ્યા હોય એવી ટોચની પાંચ બેઠકોમાં બનાસકાંઠા, વલસાડ, કચ્છ, ખેડા અને રાજકોટનો સમાવેશ થાય છે. રાજ્યમાં પડેલા કુલ 10.66 લાખ વધારાના મતદાનમાં 25 ટકા ફાળો એકલી બનાસકાંઠા બેઠકનો છે. આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે સીધો જંગ છે. આ બેઠકના પરિણામ ઉપર સમગ્ર રાજ્યની નજર છે. ગેનીબેને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટાગજાના નેતા શંકર ચૌધરી સામે અગાઉ જીત મેળવી હતી જ્યારે રેખાબેન ચૌધરી પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. બુધવારે મોડી રાત્રે 59.5 ટકાનો આંકડા આવ્યા હતો. દેશમાં યોજાયેલી પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે મતદાનના જાહેર આંકડા અને પછી પંચે જાહેર કરેલા સુધારેલા આંકડામાં ત્રણથી પાંચ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી એટલે એવી શક્યતા છે કે ગુજરાતના અંતિમ આંકડામાં પણ હજી સુધારો આવી શકે.
ઓછું મતદાન ભાજપ માટે જોખમી ગણાય છે
મત ગણતરીમાં કુલ મતની ગણતરી થાય છે અને નહી કે ટકાવારીમાં. છ બેઠકો એવી છે કે જેમાં કુલ મતદાન ગત વર્ષ કરતા થયું છે. આ બેઠકમાં અમરેલી અમદાવાદ પશ્ચિમ, પોરબંદર, વડોદરા, મહેસાણા અને બારડોલીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ગુજરાતમાં મતદાનમાં ઘટાડો જોવા મળે અથવા તો ઓછું મતદાન થાય તો તે ભાજપ માટે જોખમી ગણવામાં આવે છે પણ મતની સંખ્યાના આધારે જોવા જઈએ તો બહુ તફાવત જોવા મળતો નથી. જે બેઠકોમાં કુલ મતની સંખ્યા ઘટેલી જોવા મળે છે તેમાં પુરુષોએ ઓછું મતદાન કર્યું હોય તેવી બેઠકોની સંખ્યા છ જોવા મળી રહી છે સામે મહિલા મતદાન ઓછું હોય એવી બેઠકોની સંખ્યા નવ છે.