વડોદરા જિલ્લામાં સામાન્ય ચૂંટણીમાં ઊંચું અને પેટાચૂંટણીમાં ઓછું મતદાન
પાદરા તાલુકામાં વીવીપીએટીનો ઉપયોગ ના કર્યો હોવાની ફરિયાદ ઃ શાંતિપૂર્ણ મતદાનથી તંત્રને રાહત
વડોદરા, તા.16 વડોદરા જિલ્લામાં નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણી શાંતિપૂર્ણ રહી હતી. કોઇ અનિચ્છનીય બનાવ નહી બનતા તંત્રને રાહત થઇ હતી. પેટા ચૂંટણીમાં ખૂબ ઓછું મતદાન જ્યારે સામાન્ય ચૂંટણીમાં ઊંચું મતદાન નોંધાયું હતું.
વડોદરા જિલ્લામાં યોજાયેલી સામાન્ય અને પેટાચૂંટણીનું મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૃ થયું હતું અને સાંજે છ વાગ્યા સુધી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. પાદરામાં યોજાયેલી પેટાચૂંટણીમાં ઇવીએમના ઉપયોગની સાથે વીવીપીએટીનો ઉપયોગ કેમ ના કરવામાં આવ્યો તે અંગે ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા વીવીપીએટીનો ઉપયોગ માત્ર લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવે છે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
કરજણ નગરપાલિકાના સાત વોર્ડની ૨૮ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં કુલ ૭૨.૩૭ ટકા મતદાન નોંધાયું હતું. મતદાન દરમિયાન ભીડ એકઠી થાય છે તેવી સામાન્ય ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત પાદરા નગરપાલિકામાં વોર્ડ-૩ની પેટાચૂંટણીમાં માત્ર ૩૫.૭૨ ટકા અને સાવલી નગરપાલિકામાં વોર્ડ-૨ની પેટાચૂંટણીમાં ૫૦.૯૧ ટકા મતદાન નોંધાયું હતું.
વડોદરા જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતોની પેટાચૂંટણીમાં સાંજે પાંચ વાગ્યા સુધી વડોદરાની બે બેઠક કોયલીમાં ૪૪.૧૭ ટકા, નંદેસરી બેઠક પર ૬૦.૦૪ ટકા મતદાન નોધાયું હતું. ઉલ્લેખનીય છે કે દશરથ બેઠક બિનહરીફ જાહેર થઇ છે. જ્યારે પાદરા તાલુકા પંચાયતની વડુ બેઠક પર ૬૮.૯૯ ટકા અને સાધલી બેઠક પર ૫૩.૭૬ ટકા મતદાન થયું હતું.