ભારતીય રેલવેમાં યુનિયનની માન્યતા અંગેની ચૂંટણીમાં નડિયાદમાં મતદાન
- 3 દિવસ સુધી ચૂંટણીનું આયોજન
- વેસ્ટર્ન રેલવેના 6 ડિવિઝનના 80 હજારથી વધુ કર્મચારીઓનો મત યુનિયનની માન્યતા માટે મહત્વનો
ભારતીય પશ્ચિમ રેલવે વિભાગમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, રતલામ, રાજકોટ અને ભાવનગર એમ છ ડિવિઝનો આવેલા છે. હાલમાં પશ્ચિમ રેલવેમાં યુનિયનની માન્યતા માટે ચૂંટણી ચાલી રહી છે. ત્રણ દિવસ સુધી યોજાનાર ચૂંટણીમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અંદાજે ૮૦ હજારથી વધુ કર્મચારીઓ મતદાન કરશે. મતદાનના પરિણામ પરથી યુનિયનની માન્યતા નક્કી થનાર છે. જે અંતર્ગત બુધવારે નડિયાદમાં મતદાન યોજાયું હતું.
ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ઉપરાંત અનેક સંગઠનો રેલવેની માન્યતા પ્રાપ્ત કરવા માટે ચૂંટણીમાં ઉતર્યા છે. ૧૦૫ વર્ષથી ચાલી રહેલા ડબલ્યૂઆરએમએસના વહીવટ સામે વિરોધ અને રોષ ફેલાયો હોવાનો અન્ય સંગઠનો દ્વારા આક્ષેપ કરાયો છે. તેમજ પશ્ચિમ રેલવે કર્મચારી પરીષદ નામના સંગઠન દ્વારા સુપ્રિમ કોર્ટ સુધી દાવો કર્યો હતો. બે મોટા સંગઠનો જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે રેલવે ટ્રેક મેન્ટર સંગઠને પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયનને ટેકો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, સંગઠનની માન્યતાની ચૂંટણી અંગે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે.