ખેડામાં 547 મતદાન મથકો પર પાલિકા, તા.પં.ની બેઠકોનું મતદાન
- 4.85 લાખ મતદારો 490 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
- 122 સંવેદનશીલ તથા 76 અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે
ખેડા જિલ્લામાં ડાકોર, મહુધા, મહેમદાવાદ, ચકલાસી અને ખેડા નગરપાલિકા, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા કપડવંજ પાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૬ની કુલ બે બેઠકો ઉપરાંત મહેમદાવાદ તાલુકા પંચાયતની ૭-હલધરવાસ અને ૧૬-મોદજ-૨ની કુલ બે બેઠકોની પેટા ચૂંટણી માટે તા.૧૬ ફેબુ્રઆરીના રોજ મતદાન યોજાશે.
પાંચેય પાલિકાના કુલ ૩૪ વોર્ડ તથા ચાર બેઠકોની પેટા ચૂંટણી માટે મતદારો મતદાન કરશે. પાંચેય નગરપાલિકાઓ માટે કુલ ૫૦૫ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાંથી ૬૨ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા અને ૩૨ રદ થતાં હવે ૩૬૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તાલુકા પંચાયતની બાવન બેઠકો માટે ૧૬૪ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાંથી પાંચ પરત ખેંચાયા તથા ૩૭ રદ થયા બાદ ૧૨૨ ઉમેદવારો મેદાનમાં છે.
નગરપાલિકાઓ માટે ૧૫૧ તથા તાલુકા પંચાયતો માટે ૩૯૬ મળી કુલ ૫૪૭ મતદાન મથકો ઉપર મતદાન યોજાશે. જિલ્લામાં પાલિકાઓ માટે ૧,૩૪,૦૧૮ અને તાલુકા પંચાયતો માટે ૩,૫૧,૮૪૫ મળી કુલ ૪,૮૫,૮૬૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. શુક્રવારે સાંજથી ચૂંટણી પ્રચાર બંધ થતાં ઉમેદવારો દ્વારા ખાટલા પરિષદ અને બંધ બારણે બેઠકો યોજીને મતદારોને રીઝવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પાલિકાની ચૂંટણીમાં ૪૫ સંવેદનશીલ અને ૩૫ અતિસંવેદનશીલ મતદાન મથકો છે. જ્યારે તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૭૭ સંવેદનશીલ અને ૪૧ અતિસંવેદનશીલ મતદાન મથકો છે. તમામ મતદાન મથકો ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.