વડોદરા વિશ્વામિત્રીનું પૂર ના આવે તે માટે નદીની વહન ક્ષમતા દોઢ બે ગણી વધારવા પ્રયાસ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં હવે પછી વિશ્વામિત્રીનું પૂર ના આવે તે માટેના પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં નદીની વહન ક્ષમતામાં વધારો કરવામાં આવશે. ગયા ચોમાસામાં નદીમાં પૂર આવ્યું તે 1,200 ક્યુમેક (ક્યુબિક મીટર પર સેકન્ડ) હતું. હાલ વિશ્વામિત્રીની વહન ક્ષમતા 800 ક્યુમેકની છે. જે લગભગ દોઢ બે ગણી વધારવા પ્રયાસ કરાશે. આ માટે ત્રણ ચાર મહિનામાં નદીમાં ડીસિલ્ટીંગ અને રિસેક્સનિંગ કરી પહોળી કરવામાં આવશે. નદીમાં જંગલી વનસ્પતિ, બાવળિયા વગેરે જે કંઈ ઊગી નીકળ્યા છે તેની સફાઈ કરાશે, તેમ જણાવતા સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ એ કહ્યું હતું કે નવા વર્ષમાં મુખ્યત્વે વડોદરા શહેરના સર્વાંગી વિકાસની સાથે સ્વચ્છતા અને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવાની દિશામાં કામગીરી કરવામાં આવશે. આગામી વર્ષે શહેરને પૂરથી બચાવવાની દિશામાં પ્રાધાન્ય અપાશે. આ માટે આખું વર્ષ પ્રિ-મોન્સુનની કામગીરી ચાલુ રાખવામાં આવશે. શહેરમાંથી પસાર થતાં તમામ કાંસોની સફાઈ કરી તેને ઊંડા અને પહોળા કરવાની કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કોર્પોરેશન બે તબક્કામાં આશરે 3200 કરોડના ખર્ચે કરવાનું છે, તે સંદર્ભે 200 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, અને તે સરકારને સુપ્રત કરવામાં આવનાર છે. તાજેતરમાં પૂર નિયંત્રણ કમિટી દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટનું મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. શહેરમાં વિશ્વામિત્રીનું પૂર આવે છે તેમાં નદીમાં ઉપરવાસમાં આવેલા પ્રતાપપુરા, આજવા, હરીપુરા, વડદલા અને ધનોરા તળાવના પાણી પણ નદીમાં ઠલવાતા હોવાથી પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે, તેની આંકડાકીય વિગતો પ્રેઝન્ટેશન દરમિયાન આપવામાં આવી હતી.