વડોદરામાં જાહેર રસ્તા પરના દબાણ પર પાલિકાની ટીમો ત્રાટકી : રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.6 સામેનો રસ્તો દબાણમુક્ત કરવા જતાં હોબાળો
Vadodara Corporation : વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-6 સામેના રસ્તા પર ખાણી-પીણીની લારીઓના દબાણ પર પાલિકાની ટીમ ત્રાટકી હતી. આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. સવાર-સવારમાં લારીઓ શરૂ થાય તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવી છે. આ અંગે લારી ધારકનું કહેવું છે કે, અમે દર મહિને રૂ.1 હજાર ભરીએ છીએ. છતાં અમારી લારીને જપ્ત કરી લેવામાં આવે છે. દબાણ શાખાના કર્મીનું કહેવું છે કે, અમે ઉપરથી મળેલા આદેશ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ. કાર્યવાહી દરમિયાન બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં વિતેલા કેટલાય મહિનાઓથી પાલિકા દ્વારા દબાણો દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે આજે પણ ચાલું છે. આજરોજ વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર પાલિકાની ટીમો ત્રાટકી છે. કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટનાના બને તથા ટ્રાફિકનું નિયમન સુચારૂ રૂપે થાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મોટા ભાગે અહિંયા વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ધમધમતી હોય છે. અહિંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઇડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે. આવી બુમો અગાઉ અનેક વખત ઉઠવા પામી છે.
આજે સવારે લારી શરૂ કરવા માટે ધારકો આવ્યા હતા અને જમવાનું તૈયાર કરી રહ્યા હતા. તેવામાં જ પાલિકાની દબાણ શાખાની ટીમો ત્રાટકી હતી. રોડ સાઇડમાં રાખવામાં આવેલા લારી-ગલ્લા, ખુરશી-ટેબલોને એક પછી એક જમા કરવામાં આવી રહ્યા હતા. દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લારી ધારકે મીડિયાને જણાવ્યું કે, મારી સેવઉસળ-પૌંઆની લારી છે. અમે પાલિકામાં મહીને રૂ.1 હજાર ભરીએ છીએ. દોઢ મહિનામાં આ ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે. તેઓને પુછ્યું તો તે જણાવે છે કે, અમારે લઇ જવું પડે.
પાલિકાના અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, અત્યારે આપણે રેલવે પ્લેટફોર્મ નં-6 આગળના દબાણો દુર કરવાના છે. ત્યાર બાદ આગળથી જે આદેશ મળશે ત્યાં કામ કરવામાં આવશે. જો કે, અન્ય વિસ્તારોમાં દબાણ અંગે સવાલ પુછતા તેઓ ભાગ્યા હતા.