વડોદરામાં ફતેગંજથી છાણી સુધીના હંગામી દબાણના સફાયા સમયે ભાગદોડ : બે ટ્રક સામાન જપ્ત
image : Filephoto
Vadodara : વડોદરા શહેરમાં ચારે બાજુએ હંગામી દબાણોનો રાફડો ફાટ્યો છે. તંત્ર દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલીસીની માંગ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે ફતેગંજ બ્રિજથી છાણી જકાતનાકા વિસ્તારમાં વોર્ડ નં.1-2ના રોડ રસ્તા અને આંતરિક રસ્તે થયેલા હંગામી દબાણો દૂર કરીને દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે. જોકે પાલિકા તંત્રની આ કામગીરી પછી ગણતરીના કલાકોમાં જ તમામ દબાણો યથાવત સ્થળે પુન: ગોઠવાઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં ચારે બાજુએ જ્યાં જગ્યા મળે ત્યાં હંગામી દબાણોના સહારે ઠેક ઠેકાણે વેપાર ધંધો કરવામાં આવે છે. જ્યારે બીજી બાજુ પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા આવા દબાણનો સમયાંતરે સફાયો કરવામાં આવે છે જેમાં આજે ફતેગંજ ઓવરબ્રિજ નજીકથી છાણી જકાતનાકા સુધીના રોડ રસ્તાની બંને બાજુએ થયેલા શેરડી રસના કોલાના તંબુ, કેરી વેચાણના અનેક શેડ સહિત ખાણીપીણી તથા ચા પાણીની લારીઓ, ઓટો ગેરેજના ગલ્લા સહિત બુટ ચપ્પલ વેચાણના તંબુ, તરબૂચ શકરટેટીના શેડ સહિત અન્ય હંગામી દબાણોનો સફાયો કર્યો હતો. આ કામગીરી વખતે સ્થાનિક પોલીસ કાફલો સતત બંદોબસ્તમાં હાજર રહ્યો હતો. દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.