વડોદરાના સુરસાગર તળાવમાં આપઘાત કરવા આવેલા વૃધ્ધને કોર્પોરેશનના જવાનોએ બચાવી લીધો
Vadodara : વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર તળાવ પર છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા બ્યુટીફિકેશન થઈ ગયા બાદ સિક્યુરિટિ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે સુરસાગરમાં એક વૃધ્ધ આપઘાત કરવાના ઇરાદે ફરતા નજરે પડતા તેઓને સમજાવટથી બચાવી લઈ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.
બે દિવસ પહેલા વાઘોડિયા રોડ પર રહેતા એક વૃધ્ધ આપઘાત કરવાના ઇરાદે સુરસાગર તળાવની આસપાસ ફરતા હતા અને કુદકો મારવા તૈયારી કરતા હતા, ત્યારે તેઓની શંકાસ્પદ હીલચાલ લાગતા કોર્પોરેશનના સિક્યુરિટિ જવાન પ્રકાશ કહાર અને પ્રકાશ રાઠોડે તેઓને પકડી લીધા હતા.તેમની પૂછપરછ કરતા તેઓ જિંદગીથી કંટાળી ગયા હોવાનું જણાવ્યું હતું. તેઓને માનસિક રીતે સ્વસ્થ રહેવા સમજાવ્યા હતા અને તેમને બચાવી લીધા હતા. સિક્યુરિટિએ પોલીસને જાણ કરી સ્થળ પર બોલાવી વૃધ્ધને સોંપી દેવાયા હતા.