ઉનાળાની ઋતુમાં વડોદરાના કેરીના ગોદામ અને દુકાનોનું ચેકિંગ : 570 કિલો કેરીનો રસનો નાશ કર્યો, 72 નમુના લીધા
Vadodara : ઉનાળાની ઋતુને અનુલક્ષીને પાલિકા દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં છેલ્લા એક માસથી કેરીની વખારો, કેરીનાં રસના તંબુઓ, શેરડીના રસના કોલા, નોન પેકેજડ ડ્રીંકીંગ વોટર (પાણીના જગ)નાં વેચાણ કરતા યુનીટોમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસર દ્વારા વિવિધ વિસ્તારોમાં 63 કેરીની વખારો, 37 નોન પેકેજડ ડ્રીંકીંગ વોટર (પાણીના જગ)નાં ઉત્પાદકો, 49 કેરીના રસના તંબુ, 67 શેરડીના રસના કોલામાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેરીની વખારોમાં કેલ્શીયમ કાર્બાઇડ વાપરવા બાબતે ચેકીંગ કરી આશરે 570 કિલો બગડેલા તેમજ કાપેલા ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતું હોય શહેર વિસ્તારનાં ખંડેરાવ માર્કેટ પાછળ, સીધ્ધનાથ ગેટ, વેરાઇ માતા ચોકમાં આવેલી વખારોમાં તેમજ જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડો.મુકેશ વૈધ દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા બે ટીમો બનાવી આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કેરી તથા અન્ય ફ્રુટ વેચતા વેપારી દ્વારા કેલ્શીયમ કાર્બાઇડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ બાબતે કુલ 63 વખારોમાં આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરતા કેરી, મોસંબી, નારંગી, દાડમ, પપૈયુ, ચીકુ જેવા આશરે 570 કિલો કાપેલા તેમજ બગડેલા ફળોનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે. કેલ્શીયમ કાર્બાઇડનો જથ્થો કોઇપણ સ્થળે મળ્યો નથી.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા નોન-પેકેજડ ડ્રીંકીંગ વોટર (પાણીના જગ)નાં 37 ઉત્પાદકોને ત્યાં આકસ્મીક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેઓનાં પાણીનાં સ્ત્રોત તપાસી તેઓને સ્વચ્છતા જાળવવા તેમજ વર્ષમાં બે વખત પાણીનાં રીપોર્ટ કઢાવવાની સુચનાં આપવામાં આવી છે.
ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસરો દ્વારા વિવિધ વિસ્તારોમા 67 શેરડીના રસના કોલા તેમજ 49 કેરીના રસના તંબુઓમા ચેકીંગ હાથ ધરી આશરે 117 કિલો કાપેલા ખુલ્લા ફળો, 637 કિલો સીન્થેટીક ફુડ કલરવાળો કેરીનો રસ, 268 કિલો સીન્થેટીક ફુડ કલરવાળી ચાસણી, 47 કિલો કાપેલા ફળો, 3 કિલો સીન્થેટીક ફુડ કલરનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની જુદી-જુદી ટીમો બનાવી છેલ્લા એક માસથી વિવિધ વિસ્તારની દુકાનોમાંથી મસાલા-તેજાના, તેલ, ઘી, આઇસ્ક્રીમ, કેરીનાં રસ, મેંગો મીલ્ક શેક, પ્રીપેર ફુડ વિગેરેનાં 72 નમુના લેવામાં આવ્યા છે જેને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ગાંધીનગર દ્વારા ફાળવવામાં આવેલ ફુડ સેફટી ઓન વ્હીલ્સ (મોબાઇલ ફુડ ટેસ્ટીંગ વાન) દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં 2 ટ્રેનિંગ પ્રોગ્રામ, 23 અવેરનેસ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિવિધ લારીઓમાં ચેકીંગની કામગીરી હાથ ધરી મસાલા-તેજાના, તેલ, ઘી, ગ્રેવી, માવો, મીઠાઇ, આઇસ્ક્રીમ, વિવિધ ક્રશ સીરપ, ચટણી, પ્રીપેર્ડ ફુડ વિગેરેનાં 689 નમુનાનું સ્થળ પરજ ચેકીંગ કરી તથા ટી.પી.સી. મશીન દ્વારા 37 સ્થળોએ તેલની ઘનતા માપવામાં આવી હતી. ઉનાળાની ઋતુને ધ્યાને રાખી જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 અને રુલ્સ અને રેગ્યુલેશન-2011 અન્વયે સઘન ચેકીંગ તેમજ નમુના લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા કડક સુચના આપવામાં આવી છે.