પાણીની મુશ્કેલી દૂર કરવા અને સફાઇ ઝુંબેશ વધુ સઘન બનાવવા વડોદરા મ્યુનિ. કમિશનરની સુચના
Vadodara Water Problem : વડોદરા શહેરમાંસફાઈ ઝુંબેશ કરવા અને પાણીની મુશ્કેલી દૂર કરવા નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ અધિકારીઓ અને ઇજનેરોની અલગ અલગ બેઠક યોજીને જરૂરી સૂચના આપી હતી.
ઉનાળો શરૂ થતાં જ શહેરમાં પાણીની બૂમો ઉઠવા માંડી છે. છેલ્લા ત્રણ દિવસથી પાણીના મુદ્દે મહિલાઓ ઉગ્ર વિરોધ કરી રહી છે. તાજેતરમાં સમા વિસ્તારમાં મહિલાઓએ કરેલી ઉગ્ર રજૂઆતો અને તે પહેલાં પાણીના મુદ્દે પાલિકામાં પહોંચેલો મોરચા અને પાણીના મુદ્દે વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. જેને લઇને નવા મ્યુનિસીપલ કમિશનર એક્શનમાં આવી ગયા હતા. તેમણે પાણીપુરવઠા વિભાગ સાથે આ બાબતે બેઠક યોજીને માહિતી મેળવી હતી. કમિશનરે મેયરની ઓફિસમાં પણ મિટીંગ કરી હતી. ઉલ્લેખનિય છે કે, શહેરમાં ઉનાળાની શરૂઆતથી એવો એકપણ દિવસ નહીં હોય કે પાલિકામાં પાણીનો મોરચો આવ્યો ન હોય અથવા તો પાણી માટે વલખાં મારતાં વિસ્તારોમાં પ્રદર્શન થયા ન હોય. ઉનાળાની શરૂઆત પૂર્વે સત્તાવાળાઓ દ્વારા પાણીની સમસ્યા સર્જાશે નહીં તેવા બણગાં ફૂંક્યા હતા અને આજે શહેરની ચારે કોર પાણીની સમસ્યા છે. કોર્પોરેશનનું પાણી પુરવઠા વિભાગ પ્રતિદિન 400 જેટલા પાણીની ટેન્કરો દ્વારા પાણી પહોંચાડી રહ્યું છે. છતાં પાણીની સમસ્યા હલ ન થતા ખાનગી અને ફાયર બ્રિગેડની પાણીની ટેન્કરોનું વેચાણ વધી ગયું છે. તે સાથે પાણીના જગોની માગમાં પણ વધારો થઇ ગયો છે.
એ જ પ્રમાણે વડોદરા શહેરમાં ડોર ટુ ડોરની કામગીરી ઇફેક્ટિવ રીતે થતી નથી એટલું જ નહીં ઠેર-ઠેર ગંદકીના ઢગલા થતા રહે છે. પાણીની મુશ્કેલી અને સફાઈની યોગ્ય રીતે કામગીરી થતી નથી તેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ અને ઇજનેરો સાથે બેઠક યોજી હતી અને આગામી દિવસમાં સફાઈ ઝુંબેશ વધુ સઘન બનાવવા અને પાણીની મુશ્કેલી દૂર થાય એ પ્રકારનું આયોજન કરવા સૂચના આપી હતી.