વિશ્વામિત્રી પ્રોજેક્ટ તા.5 માર્ચની આસપાસ શરૂ કરી 100 દિવસમાં પૂર્ણ કરાશે : મ્યુ.કમિશનરની સભામાં જાહેરાત
Vadodara Corporation : વડોદરા પાલિકાની બજેટ સભામાં અંતિમ તબક્કાની ચર્ચા દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)એ શહેરમાં આવેલા પૂર બાદ વિશ્વામિત્રી નદી, અન્ય તળાવો અને વિવિધ કાશ અંગે રાજ્ય સરકારની સૂચના હેઠળ થઈ રહેલી અને થનારી કામગીરીના વિવિધ મુદ્દા અંગે મેયરના માધ્યમથી કમિશનરને સવાલો કર્યા હતા. જે અંગે મ્યુ.કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે, પૂરના અનુસંધાને કોર્પોરેશન હાલ જે પગલાં લઈ રહી છે અને લેવાની છે તે અંગે શહેરના તમામ નાગરિકોના મનમાં અનેક સવાલ છે. આજે તે તમામ બાબતનો હું સમગ્ર સભાને જવાબ આપી દઉં છું. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા માટે કોર્પોરેશને ઇરીગેશન વિભાગની શરતો અનુસાર રિટેન્ડર કર્યું છે અને ટેન્ડર આવી ગયું છે. લગભગ 15 દિવસની અંદર વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરૂ થઈ જશે. પાલિકાની ગણતરી છે કે, તા.5 માર્ચની આસપાસની કામ શરૂ કરીએ તો માર્ચ, એપ્રિલ અને મેં મહિનો થઈ 100 દિવસમાં વિશ્વામિત્રી નદીનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું આયોજન છે. જે અંતર્ગત કોર્પોરેશને અત્યાર સુધી ફોરેસ્ટ, જીપીસીબી સહિતના વિભાગો સાથે તબક્કાવાર બેઠકો કરી છે. શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને ચાર ભાગમાં વહેંચી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી માટે ઇરીગેશનના બે ઉચ્ચ અધિકારીઓને કામગીરીની દેખરેખ માટે એડવાઈઝર તરીકે લેવામાં આવશે. કામગીરી સાથે સાંકળી લેવાના અનેક અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. આપણે 15 લાખ એમક્યુબ મીટર ઉલેચવાના છીએ. તેમાં એક બાબત ખાસ એ પણ ધ્યાને લેવામાં આવી છે કે, જો માત્ર ઝાડ કાપીએ અને તેના મૂળ ન કાપીએ તો યોગ્ય પરિણામ નહીં મળે. એટલે અમે કદાચ 15ના બદલે 17થી 18 લાખ એમક્યૂબ સુધી પણ કામગીરી કરવાની તૈયારી કરી દીધી છે. નદીમાંથી માટી સહિતની સામગ્રી ઉલેચવા 45 પોકલેન્ડ, 250 જેટલા ડમ્પર અને તેટલા જ જેસીબી મશીનનો ઉપયોગ કરીશું અને 100 દિવસમાં સંપૂર્ણ કામ કરવાનું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે. નદીમાંથી જે માટી સહિતની સામગ્રી કાઢીએ તે ક્યાં ડમ્પ કરવાની છે એ જગ્યા પણ નક્કી થઈ ગઈ છે.
સમગ્ર કામગીરી ટાણે ફોરેસ્ટ વિભાગની ટીમોને પણ સાથે રાખવામાં આવશે. નદીના પટમાંથી જો મગર સહિત અન્ય જળચળ પ્રાણી નીકળે છે તો તેઓને આજવા અથવા સયાજીબાગ શિફ્ટ કરવામાં આવશે અને તે માટે બંને જગ્યાએ અત્યારથી અલગથી પાંજરા તૈયાર કરી દેવામાં આવ્યા છે. અહીં પ્રાણીઓને રેસક્યુ કરવા માટે ફોરેસ્ટ વિભાગના વિભાગની ટીમ, તેઓના વોલિયન્ટર્સ સહિતના ડોક્ટરોને કામગીરી વખતે સાથે રાખવામાં આવશે. એટલું જ નહીં, કામગીરી શરૂ કરતાં અગાઉ આ માટેની એક અલગથી મોકદ્રીલ પણ કરવાનું આયોજન છે.
કામગીરીની ડ્રોન કેમેરા દ્વારા વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી થશે
વિશ્વામિત્રી નદીમાં કોર્પોરેશન જે કામગીરી કરવાનું છે તેનું ડ્રોન દ્વારા સમગ્ર વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવશે. એટલું જ નહીં, જે ડમ્પ કરવામાં આવશે તેની પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાશે. જેથી ઇજારદાર કેટલું ખોદે છે? અને માટી સહિતની કેટલી સામગ્રી બહાર નીકળે છે? તેની માહિતી મળી રહે. જરૂર પડશે તો વિશ્વામિત્રી નદી માટે રાત્રે પણ કામગીરી કરાવીશું. જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જનરેટર, લાઈટો સહિતની અનિવાર્ય વસ્તુઓ તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે.