VIDEO: વડોદરામાં બગીચામાંથી મહાકાય મગરનું રેસ્ક્યૂ, પૂરના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં ફફડાટ
Vadodara News: વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી 35 ફૂટે પહોંચી ગઈ છે અને નદીના પાણી શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં ફરી વળ્યા છે. જો કે નદીના પાણીની સાથે સાથે હવે મગરો પણ બહાર આવશે તે ડર પણ સાચો પડી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે ધોબી તળાવ પાસેના ગાર્ડનમાં એક મહાકાય મગરે દેખા દેતાં દોડધામ મચી ગઈ હતી. આખરે સ્થાનિક લોકોની મદદથી જીવદયા પ્રેમી કાર્યકરોએ આ મગરનું રેસ્ક્યું કર્યું હતું.
રહેણાંક વિસ્તારમાં દેખાયો મહાકાય મગર
શહેરના બીજા વિસ્તારોમાં પણ મગરો દેખાઈ રહ્યા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. વન વિભાગના જિગ્નેશભાઈ પરમારે કહ્યું હતું કે, લોકોના કોલ તો આવી રહ્યા છે પણ સ્થળ સુધી પહોંચવાનુ પણ મુશ્કેલ છે. અન્ય એક જીવદયા પ્રેમી કાર્યકરે કહ્યું હતું કે, હજી તો પૂરના પાણી ઉતર્યા નથી અને જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ લોકોને મગરો દેખાશે અને એ પછી મગરો પકડવાની કામગીરી વધશે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાની વિશ્વામિત્રી નદી મગરોનું રહેઠાણ છે. અત્યારે વડોદરામાં જ વિશ્વામિત્રી નદીમાં 300 કરતાં વધારે મગરો હોવાનો અંદાજ છે. બીજી તરફ નદીમાં પૂરની સ્થિતિના કારણે પાણીની સાથે મગરો તણાઈને રહેણાંક વિસ્તારોમાં પહોંચ્યા હોય તેવું જોખમ વધ્યું છે.
વિશ્વામિત્રીમાં પૂર, 35 ફૂટે સપાટી પહોંચતાં અડધું વડોદરા પાણીમાં
વડોદરામાં સોમવારે પડેલા બાર ઇંચ વરસાદની સાથે સાથે વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના કારણે વડોદરાને બેવડો માર પડ્યો છે. વિશ્વામિત્રીની સપાટી 35 ફૂટે પહોંચ્યા બાદ વડોદરાના સમા સાવલી રોડ, ફતેગંજ, કારેલીબાગ, તુલસીવાડી, હાથીખાના, અકોટા, જૂના પાદરા રોડ, વડસર જેવા સંખ્યાબંધ વિસ્તારોની સોસાયટીઓમાં નદીના પાણી ફરી વળવાના કારણે હજારો સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હજારો લોકોનું સ્થળાંતર કરાયું, સોસાયટીઓ ડૂબી
એક અંદાજ પ્રમાણે અત્યારે વડોદરાનો 40 ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ગરકાવ છે અને લાખો રહેવાસીઓની સ્થિતિ કફોડી બની છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વડોદરાવાસીઓ માટે એક બીજી મુસીબત એ પણ છે કે, ગઈકાલે સોમવારે પડેલા બાર ઇંચ વરસાદના કારણે ભરાયેલા વરસાદના પાણી પણ સોસાયટીઓમાંથી ઓસર્યા નથી. ગટરો ચોક અપ થઈ ગઈ હોવાથી જે વિસ્તાર વિશ્વામિત્રીના પૂરથી અસરગ્રસ્ત નથી તેવા વિસ્તારની સોસાયટીઓમાં પણ પાણી તો ભરાયેલા જ રહ્યા છે. જેના કારણે પણ લોકો અગવડ ભોગવી રહ્યા છે. સૂત્રો અનુસાર આજવા ડેમની સપાટી મંગળવારે બપોરે પણ 214 ફૂટે યથાવત છે. આજવા ડેમનું પાણી વિશ્વામિત્રીમાં છોડવાનું ચાલું છે. જેના કારણે ઓછામાં ઓછા એક દિવસ સુધી તો વિશ્વામિત્રીમાં પૂરની સ્થિતિ હળવી થવાની કોઈ શક્યતા દેખાતી નથી.
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લામાં 45 રસ્તાઓ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયા
વડોદરામાં 50 ફીડરો પરના અઢી લાખ ઘરોમાં અંધારપટ
ભારે વરસાદ અને પૂરના કારણે વડોદરા શહેરના 50 જેટલા ફીડરોના અઢી લાખ જોડાણો પ્રભાવિત થયા છે. જેના કારણે હજારો સોસાયટીઓમાં ગઈકાલથી જ લાઇટો નથી. પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા બાદ લાઇટના અભાવે લોકો માટે પરિસ્થિતિ વધારે કપરી બની ચૂકી છે. ઉપરાંત વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં સંખ્યાબંધ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે. મધ્ય ગુજરાત વીજ કંપનીના સૂત્રોએ કહ્યું હતું કે, 50 જેટલા ફીડરો પરનો વીજ પુરવઠો ખોરવાયો હતો અને તેમાંથી 11 ફીડરો હજી પણ બંધ છે. આ ઉપરાંત વિશ્વામિત્રીના પૂરના પાણી શહેરમાં પ્રવેશ્યા હોવાથી 270 જેટલા ટ્રાન્સફોર્મરો પણ પાણીમાં છે અને આ ટ્રાન્સફોર્મરોના જોડાણો પરના કનેક્શન પણ બંધ છે. વીજ કંપનીને બે દિવસમાં લાઇટો જવાની હજારો ફરિયાદો મળી છે. જો કે પૂરના કારણે એવી સ્થિતિ છે કે, વીજ કંપનીનુ તંત્ર પણ તમામ જગ્યાએ પહોંચી વળે તેવી હાલતમાં નથી.