ગિફ્ટ સિટીમાં VIP કલ્ચર: બોટલ નહીં મળે, દારૂ મોંઘા ભાવે પેગમાં પિરસાશે
ગિફ્ટ સિટીનું માંડ પચ્ચીસ ટકા કામ થયું છે, 10 ટકા ઓફિસો જ કાર્યરત
દસ લાખ લોકોથી ધમધમતું સિટી દહેગામ સુધી વિસ્તારાશે
અમદાવાદ, સોમવાર
વેપાર અને વહેવાર વાસ્તવિક સ્થિતિ મુજબ જ ચાલે છે. આ નિયમને અમલી બનાવતી હોય તેમ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન પ્રોજેક્ટની જાહેરાત કરી છે. હોબાળો મચાવનાર આ જાહેરાત સાથે જ ગુજરાત સરકારના 6000 કરોડના ડ્રીમ પ્રોજેક્ટમાં વી.આઈ.પી. કલ્ચર ડેવલપ થશે તે નિશ્ચિત થઈ ચૂક્યું છે. બીજી તરફ, વાસ્તવિક સ્થિતિ એ છે કે, ગિફ્ટ સિટી સંકુલમાં પ્રથમ તબક્કો પૂર્ણ થયો ત્યાં સુધીમાં માંડ 25 ટકા કામ થયું છે અને માંડ 10 ટકા ઓફિસો જ કાર્યરત થઈ છે. આવનારાં દશકામાં ગિફ્ટ સિટીને 10 લાખ લોકોથી ધમધમતું કરવા માટે દારૂબંધીના નિયમોમાં છૂટછાટની આવશ્યકતા જણાઈ છે. ગિફ્ટ સિટીમાં દારૂ પિરસવાની સત્તાવાર મંજુરીનું જાહેરનામું બહાર પડતાં બે-ત્રણ મહિના વિતી જશે. સત્તાવાર જાહેરાત પછી ગિફ્ટ સિટીમાં દારૂ બોટલના ભાવે નહીં પણ પેગના ભાવે વેચાશે અને તે 300 ગણો મોંઘો હશે.
વાઇન એન્ડ ડાઇન પોલિસી
ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી, અધિકારી તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લિકરના સેવનમાંથી મુક્તિ. ગુજરાત સરકારના નશાબંધી અને આબકારી વિભાગના નિયામકે બે દિવસ પહેલાં આવી એક અખબારી યાદી જાહેર કરતાં જ હોબાળો મચી ગયો છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં 23 આંતરરાષ્ટ્રીય બેન્કો, 35 આઈ.ટી. ઈન્ટરનેશનલ આઈ.ટી. કંપનીઓ, બે આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ કાર્યરત થયાં છે તેવો દાવો સરકાર કરે છે. વર્ષ 2007માં જાહેર કરાયેલાં કુલ 6000 કરોડથી વધુના ગિફ્ટ સિટી પ્રોજેક્ટનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે તેમાં 826 કરોડ ખર્ચ થઈ ચૂક્યો છે. 886 એકરમાં પથરાયેલા ગિફ્ટ સિટી સંકુલમાં હજુ પચ્ચીસ ટકા જ કામ થયું છે અને 10 ટકા ઓફિસો જ કાર્યરત થઈ છે. વાસ્તવિકતા એ છે કે, અત્યાર સુધી તૈયાર થયેલાં ગિફ્ટ સિટી સંકુલમાં જોઈએ તેવી સક્રિયતા નથી તેમાં એક અડચણ દારૂબંધી પણ છે. આંતરરાષ્ટ્રીય માર્કેટને લાવવાના પ્રયાસમાં દારૂબંધીમાં થોડી છૂટછાટના પ્રયાસનું પહેલું પગરણ સરકારે માંડી દીધું છે. ગિફ્ટ સિટીમાં કામ કરતાં કર્મચારીઓ, માલિકોને એવી લિકર એક્સેસ પરમીટ અપાશે કે જેના થકી તેઓ ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન સુવિધા આપતી હોટેલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લિકરનું સેવન કરી શકશે. આ જાહેરાત કરાઈ છે પણ હાલની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં એક હોટલ અને એક ક્લબ છે તેની પાસે દારૂ પિરસવાનો પરવાનો નથી.
સરકારી સૂત્રોનું કહેવું છે કે, ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો હળવા કરવા માટેના નિયમો સાથેનું જાહેરનામું સરકારે બહાર પાડવું પડશે. આ જાહેરનામામાં નિયમો અમલી બનાવવાની દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે. જાહેરનામું બહાર પડતાં દોઢથી બે મહિનાનો સમય વિતી જશે. આ વર્ષ જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટી પૂર્ણ થાય પછી જ જાહેરનામું બહાર પડી શકે છે. એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે કે, જાહેરનામું બહાર પડશે ત્યારે અનેક નવી અને આંચકો આપનારી બાબતો પણ હોઈ શકે છે.
સરકારનું આયોજન ગિફ્ટ સિટી થકી આંતરરાષ્ટ્રીય સ્તરના આઈટી અને બેન્કિંગ નેટવર્કને ગુજરાત સાથે અતૂટ રીતે જોડવાનું છે. પાટનગર ગાંધીનગર નજીક જ આંતરરાષ્ટ્રીય સ્તરના નવા નગરમાં 10 લાખ લોકોની અવરજવર અને વસવાટ હોય તેવું આયોજન છે. આવનારાં દશકા દરમિયાન સતત વિકાસ પામનારાં ગિફ્ટ સિટીની હદ ડભોડા, દહેગામ તરફ વિસ્તરે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સ્વિકારવી પડે જ એવી વાસ્તવિકતા એ છે કે, દોઢ દશકા અગાઉ જોવાયેલું ગિફ્ટ સિટીનું સ્વપ્ન પૂર્ણરૂપનું કરવા માટે ૬૦૦૦ કરોડનું તોસ્તાન રોકાણ થાય તેમાં ખોટનો વેપલો કરવાનું ગુજરાત સરકારને પોસાય તેમ નથી.
બાકી, દારૂબંધી હળવી બનાવવાની જાહેરાત માત્રથી સર્જાયેલા હોબાળા સામે વાસ્તવિકતા એ છે કે, ગિફ્ટ સિટીમાં જેમને મંજુરી અપાશે તે હોટલો, રેસ્ટોરન્ટમાં વાઈન એન્ડ ડાઈન હશે. પણ, દારૂ બોટલમાં નહીં પેગમાં પિરસાશે. આ દારૂ ૩૦૦ ગણો મોંઘો હશે. નશાબંધી તંત્રની દારૂ ઉપરની 300 ટકા એક્સાઈઝ લાગુ પડશે. ગિફ્ટ સિટી આસપાસ વધુ હોટલો અને રેસ્ટોરન્ટ બનશે તેને લિકર પરમીટ અપાય તો પણ પેગના ભાવ સ્થાનિક વસતી, હોટલના રૂમ અને કેટેગરી આધારે નિશ્ચિત થશે. એકંદર,300 ગણા મોંઘા દારૂ સાથે 6000 કરોડના ગિફ્ટ સિટીમાં વી.આઈ.પી. કલ્ચરને સરકારી મ્હોર વાગી જશે તે પણ નિશ્ચિત બન્યું છે.