અમરેલીના કેરિયા રોડ પર એપાર્ટમેન્ટમાં ચાલતા 8 સ્પા સામે ઉગ્ર વિરોધ
ગેરકાયદે સ્પાએ રહેવાસીઓને જીવવું હરામ કરી દીધું : એપાર્ટમેન્ટના 80 પરિવારોએ કલેક્ટર કચેરીએ જઈ આવેદન આપ્યું : જો 7 દિવસમાં સ્પા બંધ ન થાય તો તમામ પરિવારો ધરણાં- ઉપવાસ આંદોલન કરશે એવી ચીમકી આપી
અમરેલી : અમરેલીનાં કેરિયા રોડ બાયપાસ નજીક આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં ધમધમતા આઠ ગેરકાયદે સ્પા બંધ કરાવવા 80 પરિવારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને અહીથી સ્પાને દુર કરવા માંગ કરેલ છે.જો આ સ્પા બંધ નહી થાય તો તમામ કુટુંબો કલેકટર કચેરીએ આંદોલન કરશે એવી ચીમકી આપી છે.
આવેદનપત્રમાં જણાવેલ છે કે, અયોધ્યા એપાર્ટમેન્ટમાં દુકાનો પણ બનાવવામાં આવી છે અને આવી દુકાનો પૈકી ઘણી દુકાનો ભેગી કરીને મસાજ સ્પા બનાવવામાં આવેલા છે. અને હાલ આ એપાર્ટમેન્ટમાં કુલ આઠ સ્પા ધમ ધમી રહેલ છે. ગુજરાતના નાના મોટાશહેરોમાં સ્પાની આડમાં દેહવ્યાપાર એટલે કે કુટણખાના ચલાવવામાં આવે છે. અને આવા કહેવાતા સ્પામાં બહારના રાજયોમાંથી રૂપલલનાઓ મંગાવીને ગ્રાહકોને મેસેજ અને ટેલીફોનીક જાણ કરવામાં આવે છે. અને ગ્રાહકોને બોલવવામાં આવે છે આવો જ ત્રાસ સોસાયટીમાં રહેતી મહીલાઓ અને દીકરીઓને સહન કરવો પડે છે .કેમ કે આવા ગ્રાહકો આવતા જતા અમારા પાર્કીગ બેસવા આવેલ સોસાયટીની મહીલાઓ અને દીકરીઓ સામે બિભત્સ ચેનવાળા કરીને જતા રહે છે. એપાર્ટમેન્ટના રહીશો આવા ત્રાસનો સામનો છેલ્લા ઘણા સમયથી સહન કરી રહેલ છે.
વધુમાં જણાવેલ છે કે આ એપાર્ટમેન્ટમાં 80 જેટલા પરીવારો પોતાના પરીવાર સાથે રહે છે અને આમાં અનેક દીકરીઓ પણ છે અને આ મહીલાઓ અને દિકરીઓ સાંજના સમયે એપાર્ટમેન્ટમાં આવેલ પાર્કીગમાં થોડો સમય બેસવા આવતા હોય છે પરંતુ આવા સમયે જ સ્પામાં સંચાલકો દ્વારા ગ્રાહકોને બોલાવવામાં આવે છે .અને આ સ્પામાં આવતા ગ્રાહકો પાર્કીગમાં બેસેલ મહીલાઓ કે દીકરીઓ સામે બિભત્સ ઈશારાઓ કરીને નાસી જાય છે.આ એપાર્ટમેન્ટ સરકારના નિયમાનુસાર માત્ર રહેણાંક હેતુ માટે જ બિનખેતીમાં ફેરવવામાં આવેલ છે .તેમ છતાં અહીયા હાલ આંઠ જેટલા સ્પા ચાલે છે. અને નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા ધંધાનુ લાયસન્સ પણ આપવામાં આવે છે તો ચીફ ઓફીસર રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતીમાં બનાવેલ રહેણાંક એપાર્ટમેન્ટ સરકારની કઈ જોગવાઈઓ મુજબ આવા લાયસન્સ ઈશ્યુકરે છે તે પણ તપાસનો વિષય છે.સ્પામાં આવતા ગ્રાહકો કલાકો સુધી રોકાય છે અને પાર્કીગમાં પોતાની ગાડીઓ મુકી પોતાનો અડીગો જમાવે છે અને અમને તમામ રહીશોને સતત માનસીક યાતનાઓ પણ આપે છે અને અમારી બહેન, દીકરી, કે મહીલા ફલેટમાંથી નિચે શાકભાજી કે કરીયાણુ લેવા માટે નિચે આવતા પણ સંકોચ અનુભવે છે દિન-7 માં આ તમામ સ્પાના પરવાના રદ કરી અહીયાથી દુર કરવામાં નહી આવે તો તમામ રહીશો સરકારના નિયમાનુસાર કલેકટર કચેરીમાં પરવાના લઈ ગાંધી ચિંધ્યામાર્ગે મહીલાઓ -દીકરીઓ સાથે રાખી પ્રતીક ઉપવાસ અને ધરણા કરીશુ .