આણંદના જોળમાં શિવજીની પ્રતિમા ખંડિત કરાતા ગ્રામજનોમાં આક્રોશ
- જાણ થતા મોટી સંખ્યામાં લોકો સ્મશાને ઉમટયા
- અસામાજિક તત્વોનો શાંતિ ડહોળવા પ્રયાસઃ અગાઉ પણ મૂર્તિ તોડી નાખી, સગડી ચોરી ગયા હતા
આણંદ જિલ્લાના જોળ ગામના ગ્રામજનોએ ચાર મહિના અગાઉ રૂપિયા ૫૦,૦૦૦ના ખર્ચે અંબાજીથી શિવજીની પ્રતિમા લાવીને સ્મશાન ભૂમિમાં પ્રસ્થાપિત કરી હતી. આ શિવજીની પ્રતિમાને ગઈકાલે મોડી રાતે કેટલાક અસામાજિક તત્વોએ ખંડિત કરી દીધી છે. શિવજીની મૂર્તિના બંને હાથ, ડમરું તેમજ ત્રિશૂળ તોડી નાખવામાં આવ્યું હતું. સ્મશાન ભૂમિમાં દેવી-દેવતાઓની પૂજા કરતા સુનિલભાઈ સવારે અગરબત્તી કરવા ગયા ત્યારે શિવજીની મૂત ખંડિત થઈ હોવાનું જણાયું હતું. જેથી તેમણે ગામના આગેવાનોને જાણ કરતા આખું ગામ સ્મશાન ભૂમિમાં એકત્ર થયું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અગાઉ પણ શિવજીની મૂર્તિ અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. જેથી નવી મૂર્તિની સ્થાપના કરાઈ હતી. પરંતુ આવી ઘટના બીજી વખત બની છે.
ચાર વર્ષ અગાઉ સ્મશાનની સગડી પણ ચોરી થઈ હોવાની ઘટના બની હતી. ત્યારે હિન્દુઓની લાગણી દુભાવીને ગામની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
મૂર્તિ ખંડિત થવા અંગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનને પણ જાણ કરાઈ હતી.
અસામાજિત તત્વો દ્વારા કરાયેલા નિંદનીય કૃત્ય અંગે તેમજ સ્મશાનભૂમિમાં સીસીટીવી લગાવવા અંગેની પણ રજૂઆત ઉચ્ચકક્ષાએ ગ્રામજનો દ્વારા કરાશે.