મુળીના નળીયામાં ખેડૂતને ગામના શખ્સે ધમકી આપી
- તારી સાથે ઝઘડો કરવો છે કહી
- અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી ગાળો ભાંડતા એક સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના નળીયા ગામે ચાર મહિના પહેલા થયેલ મારામારી બાબતે નોંધાવેલ ફરિયાદનું મનદુઃખ રાખી એક શખ્સને ફોન પર તેમજ રૂબરૂમાં ગાળો આપી પગ ભાંગી નાંખવાની તેમજ ગંભીર ઈજાઓ પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી જે અંગે ભોગ બનનાર શખ્સે એક વ્યક્તિ સામે મુળી પોલીસ મથકે ગુન્હો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
નળીયા ગામે રહેતા ભુપતભાઈ ભીખાભાઈ વાઘેલા પોતાની વાડીએ કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો. મોબાઇલની સામે તરફથી નદુભા બોલતા હોવાનું જણાવી ભુપતભાઇ સાથે ઝઘડો કરવો છે તેમ જણાવી ફોન કાપી નાંખ્યો હતો. બીજે દિવસે બપોરે બજારમાં ભીખાભાઇને પોતાના ઘર પાસે ગાળો આપી બહાર નીકળવાનું જણાવી પગ ભાંગી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભુતપભાઇએ મુળી પોલીસ મથકે નરેન્દ્રસિંહ ઉર્ફે નદુભાઈ મહેન્દ્રસિંહ પરમાર (રહે.નવાણીયા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અંદાજે ચાર મહિના પહેલા ભુપતભાઇને નરેન્દ્રસિંહ પરમાર સહિત તેમના કુટુંમ્બીજનો સાથે ઝઘડો થયો હતો. જે બાબતે પોલીસ મથકે ગુનો પણ નોંધાયો હતો જેનું મનદુઃખ રાખી ફરિયાદીને ધમકી આપી હોવાનું બહાર આવ્યું હતું.