સુરતમાં 'વિકાસ પદયાત્રા'નું કેન્દ્ર સરકારના મંત્રીએ પ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું : બેનરો સાથે લોકો પદયાત્રામાં જોડાયા
Vikas Padyatra Surat : સુરત સહિત સમગ્ર રાજ્યમાં 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આજે ચોકબજાર કિલ્લાથી વિકાસ પદયાત્રાને કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ પ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવી હતી. ચોકના કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધી પદયાત્રામાં નેતાઓ સાથે અનેક સુરતીઓ પણ જોડાયા હતા. રાજ્યવ્યાપી ઉજવાઇ રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતના ઐતિહાસિક ચોકબજાર કિલ્લાથી અડાજણ બસ ડેપો સુધીની ‘વિકાસ પદયાત્રા’ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિવિધ બેનરો સાથે સુરતીઓએ પણ ભાગ લીધો હતો.
આ યાત્રા દરમિયાન નાણાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય વિકાસના નવા આયામ સર કર્યા છે. 23 વર્ષ પહેલા શરૂ કરેલી વિકાસ યાત્રામાં ગરીબો-વંચિતોની સાથે બાળકો, મહિલાઓ, ખેડૂતો અને આદિમ જૂથ સહિતના નાગરિકો માટે અનેક કલ્યાણકારી યોજના શરૂ કરી સૌના સહિયારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા, સેવાસેતુ જેવા અનેક વિકાસલક્ષી પ્રયાસો થકી ગુજરાતને સમગ્ર ભારતના મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે. વડાપ્રધાનના ઉત્તમ આયોજનને પગલે સૌર ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત દેશમાં મોખરે છે. અને હવે ‘કેચ ધ રેઇન’ પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણીનો સંચયની કામગીરી માટે પણ રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર પ્રયાસો કરી રહ્યા છે.