Get The App

રાજકોટમાં પહલગામ હુમલાના મૃતકોનો મલાજો ન જળવાયો, ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ વિવાદમાં

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટમાં પહલગામ હુમલાના મૃતકોનો મલાજો ન જળવાયો, ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ વિવાદમાં 1 - image


Pahalgam Terrorist Attack 2025: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત નિર્દોષ 26 ભારતીયોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે દેશભરમાં આક્રોશ અને શોકનો માહોલ છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. તો બીજી તરફ રાજકોટ ભાજપનો મહિલા મોરચો જન્મદિવસની ઉજવણીમાં મગ્ન બન્યો છે. એક તરફ દેશભરમાં શોકનો માહોલ છે, ત્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ મોતનો મલાજો જાળવી શકતા નથી. એટલું જ નહી બેશરમીની હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે મહિલા મોરચાના કાર્યકરોએ પોતાના સ્ટેટસમાં ઉજવણીના ફોટા મૂક્યા. 


રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપ મહિલા મોરચાની મહિલાઓ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પહેલાં ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીનો જન્મદિવસ હોવાથી કેક લઇને તેમના ત્યાં પહોંચ્યો હતી. ભાજપ મહિલા મોરચા દ્વારા અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. બર્થ ડે સેલિબ્રેશન કર્યા બાદ ભાજપ મહિલા મોરચો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પહોંચ્યો હતો. કેટ કટિંગ વખતે ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટર સહિતના લોકો પણ હાજર હતા. 

રાજકોટમાં પહલગામ હુમલાના મૃતકોનો મલાજો ન જળવાયો, ભાજપ મહિલા મોરચાનો કાર્યક્રમ વિવાદમાં 2 - image

જોકે શરૂઆતમાં અંજલી રૂપાણીએ મહિલા મોરચાને કેક કટીંગ ના પાડી હતી, પરંતુ ત્યારબાદ હસતે મોઢે બર્થ સેલિબ્રેશન કરી ફોટો અને વીડિયો શૂટ કરાવ્યા હતા. મહિલા મોરચાના કાર્યકર્તાઓ અહીં જ અટક્યા નહી હરખપદૂડા થઇને વ્હાલા થવા માટે તેમણે બર્થ ડે સેલિબ્રેશનના ફોટા અને વીડિયો સ્ટેટસમાં લગાવ્યા હતા. 

રાજકોટમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

રાજકોટ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના કિસાનપરા ચોક ખાતે પહલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ અને યુવા મોરચાના નેતાઓ સહિતના લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જોકે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ ભાજપના મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીના બર્થ ડેની ઉજવણી કરવામાં આવતાં સ્થાનિક રહીશોમાં રોષની લાગણી છે.

મોતનો મલાજો પણ ન જાળવ્યો: અમિત ચાવડા

આ મામલે વિપક્ષની પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે 'પહલગામ આતંકવાદી હુમલાને લઇને આખો દેશ શોકાતુર હોય ત્યારે ભાજપના મહિલા મોરચાએ જન્મ દિવસની ઉજવણી કરી મોતનો મલાજો જાળવ્યો ન હોવાની વાત મને મીડિયાના માધ્યમથી ખબર પડી. આખો દેશ શોકમગ્ન હોય ત્યારે રાજકીય પક્ષના આગેવાનોએ આ રીતે ઉજવણી ન કરવીએ. કર્યકર્તાઓ કદાચ ભૂલચૂક કરે પરંતુ ધારાસભ્ય કક્ષાના આગેવાનોથી આવી ભૂલ ન થવી જોઇએ. 

Tags :